'રોહિત શર્માને ભારતીય ફેન્સ અપશબ્દો કહેતા હતા', જાણો પૂર્વ ઓલરાઉન્ડર આવું શા માટે બોલ્યા
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન આ ઘટના બની હતી
Image:File Photo |
Indian Fans Were Abusing Rohit Sharma : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી પ્રવીણ કુમારે એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન એ ઘટનાને યાદ કરી જયારે ભારતીય ફેન્સ રોહિત શર્માને અપશબ્દો કહી રહ્યા હતા. આ ઘટના વર્ષ 2012ની છે, જયારે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. આ દરમિયાન રોહિતને ફેન્સના અપશબ્દો સાંભળવા પડ્યા હતા. આ ઘટના યાદ કરતા પ્રવીણ કુમારે કહ્યું, ‘હું ક્યારેય કોઈની સાથે ઝઘડામાં નથી પડ્યો. તે સમયે અમે ત્રણ ત્યાં હાજર હતા, હું, રોહિત શર્મા અને મનોજ તિવારી.’
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન બની હતી ઘટના
ભારતીય ટીમના ઓલરાઉન્ડરે વધુમાં જણાવ્યું, ‘અમે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તે ઓસ્ટ્રેલિયાનું મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ હતું. ત્યાં ટીમ ઇન્ડિયાના ફેન્સ હતા, જે રોહિત શર્માને અપશબ્દો કહી રહ્યા હતા. અપશબ્દો સાંભળીને રોહિત શર્મા ગુસ્સે થઇ ગયો અને તેનો ફેન્સ સાથે ઝઘડો થઇ ગયો હતો. તેની સાથે હું પણ તેમાં સામેલ થઇ ગયો હતો.’
‘જો મોટો ભાઈ નાના ભાઈને ઠપકો પણ આપે તો કોઈ વાંધો નથી’
પ્રવીણ કુમારે ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેણે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વિવાદ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, ‘જો મોટો ભાઈ નાના ભાઈને ઠપકો પણ આપે તો કોઈ વાંધો નથી. તે મોટો છે તે તેને ઠપકો આપી શેક છે. વિરાટ કોહલી શાનદાર વ્યક્તિ છે. તે જાણે છે કે રન કેવી રીતે બનાવવા છે. આ જ કારણ છે કે તે આજે આટલી ઉંચાઈ સુધી પહોંચ્યો છે. કોહલી પોતાના શરીર પર મહેનત કરવા ઉપરાંત સારી ડાયટ કેવી રીતે લેવી તે પણ જાણે છે.’ જયારે ગૌતમ ગંભીર વિશે પ્રવીણ કુમારે કહ્યું, ‘તે મારા મોટા ભાઈ છે.’