'હાર્દિક પંડ્યા ચાંદ પરથી ઉતર્યો છે?' રમવું તો પડશે, BCCI સામે પણ સવાલ થવા જોઈએ: પૂર્વ ક્રિકેટરે પિત્તો ગુમાવ્યો
પ્રવીણ કુમારે BCCI દ્વારા હાર્દિક પંડ્યાને ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવા છતાં કોન્ટ્રાક્ટમાં સામેલ કરવા પર ઉઠાવ્યા સવાલો
તે માને છે કે નિયમો દરેક માટે સમાન છે
Praveen Kumar on Hardik Pandya: IPL 2024 પહેલા પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું છે. વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો હાર્દિક હવે લાંબી રાહ જોયા બાદ મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. તેણે વર્લ્ડ કપ પછી એક પણ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચ રમી નથી. ભારતીય ક્રિકેટ બોર્ડ ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે કહી રહ્યું છે, ત્યારે હાર્દિક પંડ્યા આખી સિઝન રણજી ટ્રોફીથી દૂર રહ્યો છે. પૂર્વ ભારતીય બોલર પ્રવીણ કુમારે હાર્દિક પંડ્યા પર આકરા પ્રહારો કર્યા છે. તેણે હાર્દિકના ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવા અંગે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે નિયમો તમામ ખેલાડીઓ માટે સમાન હોવા જોઈએ.
હાર્દિક પંડ્યા ચાંદ પરથી ઉતર્યો છે?
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ભારતીય ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવાનો આદેશ આપ્યો હતો. યુવા ખેલાડીઓ ઇશાન કિશન અને શ્રેયસ ઐય્યરે જ્યારે રણજી ટ્રોફી રમવાનો ઇનકાર કર્યો ત્યારે તેમને કડક સજા મળી હતી. બંનેને બીસીસીઆઈના વાર્ષિક કરારમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. જોકે, હાર્દિક પંડ્યા સાથે આવું ન થયું અને તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું હતું. જેના પર પ્રશ્ન ઉઠાવતા પ્રવિણ કુમારે કહ્યું હતું કે, 'હાર્દિક પંડ્યા ચાંદ પરથી ઉતર્યો છે? તેણે પણ રમવું પડશે. તેના માટે અલગ નિયમ શા માટે? બીસીસીઆઈએ તેને ધમકાવવો જોઈએ.'
6 વર્ષ પહેલા રમી હતી છેલ્લી ટેસ્ટ મેચ
6 વર્ષ પહેલા હાર્દિક પંડ્યાએ ભારત માટે માત્ર વનડે અને T20 મેચ જ રમે છે. આ દરમિયાન તેણે એક પણ ટેસ્ટ મેચ રમી નથી. વર્ષ 2018માં તેને ઇંગ્લેન્ડ સામે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થયો અને આ ફોર્મેટથી દૂર થઇ ગયો હતો.