જે માંગ્યું સરકારે બધું આપ્યું, ચોથો નંબર નહીં મેડલ જોઈએ...', લક્ષ્ય સેન પર ભડક્યાં કોચ પ્રકાશ પાદુકોણ
Image Twitter |
Paris olympics 2024 : ભારતીય બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતશે તેવી આશા હતી. ભારત તરફથી મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં સ્થાન મેળવીને તેણે ઇતિહાસ રચ્યો હતો. આવું કરનાર તે પહેલો ભારતીય બન્યો છે. લક્ષ્ય સેનને 4 ઑગસ્ટના રોજ સેમિફાઇનલમાં ડેનમાર્કના એક્સેલસન વિક્ટરે હરાવ્યો હતો. એક દિવસ બાદ 5 ઑગસ્ટે તેને બ્રોન્ઝ મેડલ મેચમાં મલેશિયાના લી જી જિયાએ 13-21, 21-16 અને 21-11થી હરાવ્યો હતો.
પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટન ટીમ સાથે કોચ તરીકે જોડાયેલા દિગ્ગજ ખેલાડી પ્રકાશ પાદુકોણે ટાર્ગેટ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે, ચોથો નંબર નથી જોઈતો, મેડલ જીતવો હતો. બેડમિન્ટનમાં મેડલ જીતવાની ભારતની આશા સોમવારે મલેશિયાના લી જી જિયા સામે લક્ષ્ય સેનની હાર સાથે સમાપ્ત થઈ ગઈ. આ મેચમાં હાર બાદ તે ચોથા સ્થાન પર રહ્યો છે. લક્ષ્યની હાર પર કોચ પ્રકાશ પાદુકોણે નારાજગી વ્યક્ત કરી હતી.
લક્ષ્ય સેન ઓલિમ્પિકમાં ચોથા નંબરે આવતાં અમે બિલકુલ ખુશ નથી: કોચ
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “હું અને વિમલ લક્ષ્ય સેનના ઓલિમ્પિકમાં ચોથા નંબર પર આવવાથી બિલકુલ ખુશ નથી. તે ચોક્કસપણે દેશ માટે મેડલ જીતી શક્યો હોત. કેટલાક લોકો એવું ચોક્કસપણે કહેશે કે, એક્સેલસને કહ્યું હતું કે લક્ષ્ય આગામી સુપરસ્ટાર ખેલાડી બનવા જઈ રહ્યો છે. આ વાતોથી કોઈ ફરક પડતો નથી.”
"લક્ષ્ય પાસે મેડલ જીતવાની તક હતી. પરંતુ, જો તે ગ્રુપ મેચમાં જ જોનાથન ક્રિસ્ટી સામે હારી ગયો હોત તો તે ચર્ચાનો વિષય બન્યો હોત. આટલે દૂર આવ્યા પછી જીત મેળવ્યા પછી જ્યારે તમારી પાસે મેડલ જીતવાનો મોકો હતો. તમે મેચમાં લીડ મેળવી ચૂક્યા હતા પરંતુ હારી ગયા."
સરકારે ખેલાડીઓએ જે માંગ્યું છે તે આપ્યું છે
પાદુકોણે ભારત સરકાર અને તમામ ફેડરેશનના વખાણ કરતાં કહ્યું કે, હવે એ સમય નથી રહ્યો કે, જ્યારે અમને સરકાર કે ફેડરેશન તરફથી મદદ નહોતી મળતી. સરકારે ખેલાડીઓએ જે પણ માંગ્યું છે તે બધું જ આપ્યું છે, તેથી કોઈપણ પ્રકારની ખામીઓ ન નીકાળી શકાય.