VIDEO: ટીમ ઈન્ડિયાના 4 દિગ્ગજ ખેલાડીઓ સામે FIR, વિકલાંગોની મજાક બનાવવાનો આરોપ
Harbhajan singh and Other Player Controversial Video : તાજેતરમાં સમાપન થયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ ટુર્નામેન્ટની ફાઈનલમાં પાકિસ્તાનને પછાડ્યા બાદ ચેમ્પિયન બનેલી દિગ્ગજ ખેલાડીઓની ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ હવે નવા કારણોસર ચર્ચામાં આવી ગયા છે. જેમાં ખાસ કરીને યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરૈશ રૈના એક મોટા વિવાદમાં સંપડાઈ ગયા છે.
મામલો શું છે?
ખરેખર તો મામલો કંઇક એવો છે કે ટુર્નામેન્ટ જીત્યાં બાદ તેની ઉજવણી કરવામાં આ ખેલાડીઓ કંઇક એવું કરી બેઠાં જેની જરૂર નહોતી. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહ શેર કરેલા વીડિયોમાં જોઈ શકાતું હતું કે હરભજન સિંહ, યુવરાજ સિંહ અને સુરેશ રૈના તથા ગુરકીરત માન દિવ્યાંગ લોકોની મજાક બનાવી રહ્યા છે. તેમાં તાજેતરના એક લોકપ્રિય ગીત પર આ મજાક બનાવવાનો પ્રયાસ કરાયો હતો જેના લીધે તેઓ ટીકાકારોના નિશાને આવી ગયા છે.
ચારેય ખેલાડીઓ સામે એફઆઈઆર
આ ચારેય વરિષ્ઠ ખેલાડીઓ સામે હવે પોલીસમાં એફઆઈઆર પણ નોંધાવવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ ચારેય ખેલાડીઓ જ્યાં જીતની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે એક ગીત પર ડાન્સ કરવાની જગ્યાએ તેઓ લંગડાતા અને દિવ્યાંગની જેમ નકલ કરતાં કરતાં દેખાયા હતા. ત્યારે હરભજને આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે 15 દિવસ સુધી લેજન્ડ્સ ક્રિકેટ રમ્યા બાદ મારું શરીર થાકી ગયું છે.
દિવ્યાંગ સમુદાય નારાજ
આ વીડિયોને કારણે દિવ્યાંગોને ભારે ઝટકો લાગ્યો હતો અને સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવી ગયું હતું. ભારતની પ્રખ્યાત પેરા એથ્લેટ માનસી જોશીએ આ ખેલાડીઓને ફટકાર લગાવતા કહ્યું કે પોલિયોથી પીડિત વિકલાંગ લોકોની આ રીતે મજાક ઉડાવવી એ સારી વાત નથી. આ સિવાય ભારતીય પેરાલિમ્પિક સંઘે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ખેલાડીઓને ઠપકો આપ્યો હતો.
NCPEDPએ પણ ઝાટક્યાં અને એફઆઈઆર નોંધાવી
હવે આ મામલે વિકલાંગ લોકો માટે કામ કરતી સંસ્થા ‘નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોયમેન્ટ ફોર ડિસેબલ્ડ પીપલ’ (NCPEDP) એ ચારેય ક્રિકેટરો સામે નવી દિલ્હીના અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા સામે પણ આવો વીડિયો પોસ્ટ કરવાની પરવાનગી આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હરભજને માફી માંગી
વીડિયો અંગે હોબાળો થતાં હરભજન સિંહે ઈન્સ્ટાગ્રામ પર તાત્કાલિક નિવેદન જારી કરી માફી માગતા કહ્યું કે મારો અને મારા સાથીઓનો ઈરાદો વિકલાંગોની મજાક બનાવવાનો નહોતો. અમે એટલું જ કહેવા માગતા હતા કે સતત ક્રિકેટ રમ્યા બાદ અમે થાકી ગયા છે. જેના કારણે અમારું શરીર આવુ થઈ ગયું છે. જો અમારા વીડિયોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો અમે તેના માટે માફી માંગીએ છીએ. છેવટે હરભજને વિવાદ વધતો જોઈને વીડિયો ડિલીટ કર્યો હતો.