વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથે કરી મુલાકાત, જાણો ખેલાડીઓએ શું ભેટ આપી

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
PM Modi meets athletes

Image: IANS



Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના 117 રમતવીરે ભાગ લીધો હતો. જેમાં ભારતે પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર એમ કુલ છ મેડલ જીત્યા છે. સ્વદેશ પરત ફરતાં ભારતીય ખેલાડીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તમામ ખેલાડીઓએ 15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસ સ્થાને જઈને તેમની મુલાકાત લીધી હતી.

ઓલિમ્પિક રમીને પરત ફરેલા ખેલાડીઓએ વડાપ્રધાન મોદીને અનેક ગિફ્ટ આપી હતી. જેમાં શૂટર મનુ ભાકરે વડાપ્રધાનને પિસ્તોલ ગિફ્ટ કરી છે. રેસલર અમન સેહરાવત અને હોકીના યોદ્ધા પીઆર શ્રીજેશે જર્સી આપી હતી. જેના પર ભારતીય ખેલાડીઓએ હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે ટીમ તરફથી હોકી સ્ટિક ગિફ્ટ કરી છે. 

વડાપ્રધાને આ દરમિયાન ખેલાડીઓને સંબોધિત કરતાં તેમની સાથે વાત કરી  હતી. જો કે, હજી તેનો વીડિયો જાહેર થયો નથી. અમુક ભારતીય ખેલાડી હજી સ્વદેશ પરત ફર્યા નથી. જેવલિન થ્રોઅર નીરજ ચોપરા જર્મનીમાં છે, જ્યાં તેની સર્જરી થવાની છે. જ્યારે રેસલર વિનેશ ફોગાટ 17 ઓગસ્ટ સુધી ભારત આવશે.

પેરિસમાં આ ખેલાડીઓએ મેડલ જીત્યા

ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ છ મેડલ જીત્યા છે. જેમાં પ્રથમ મેડલ શૂટિંગમાં મનુ ભાકરે વિમન્સ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીત્યો હતો. બાદમાં બીજો બ્રોન્ઝ પણ મનુ ભાકરે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં અપાવ્યો હતો. સરબજોત સિંહ તેની સાથે ટીમમાં હતા. ત્રીજો બ્રોન્ઝ મેડલ સ્વપ્નિલ કુશાલે શૂટિંગની મેન્સ 50 મીટર રાઈફલ થ્રો પોઝિશનમાં અપાવ્યો હતો. પુરૂષ હોકી ટીમે બ્રોન્ઝ અને જેવલિન થ્રોમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. રેસલર અમન સેહરાવતે મેન્સમાં 57 કિગ્રા ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ જીત્યો હતો.

ભારતે ટોક્યો ઓલિમ્પિક (2020)માં એક ગોલ્ડ સાથે 7 મેડલ જીત્યા હતા, જે ભારતનું ઓલિમ્પિક ઈતિહાસમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ હતો. અપેક્ષા છે કે, આગામી ઓલિમ્પિકમાં ભારતનો મેડલ ટેલી ડબલ ડિજિટમાં વધશે.

વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથે કરી મુલાકાત, જાણો ખેલાડીઓએ શું ભેટ આપી 2 - image


Google NewsGoogle News