ન્યૂઝીલેન્ડ સામે બદલો લેશે ટીમ ઈન્ડિયા! પૂણેની પિચ પર વિરાટ અને અશ્વિનનો હશે મહત્ત્વપૂર્ણ રોલ
IND Vs NZ, 2nd Test : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ 24 ઓક્ટોબર પુણેના MCA સ્ટેડીયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમ 3 મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0થી આગળ ચાલી રહી છે. ભારતને હવે સીરિઝમાં પુનરાગમન કરવા માટે બીજી ટેસ્ટમાં કોઈપણ રીતે જીતવું જ પડશે. પુણેના MCA સ્ટેડીયમને લઈને ચાહકોમાં ઉત્સુકતા છે કે, આ પીચ પર સ્પીન બોલર કે પછી બેટરને વધુ ફાયદો થશે. પીચને લઈને અત્યારે જે અપડેટ મળી રહી છે તે અનુસાર ભારતીય સ્પીનર અશ્વિન અને બેટર વિરાટ કોહલી ખૂશ થઇ શકે છે.
પુણેના MCA સ્ટેડીયમની પીચ પર ઝડપી બોલરોને વધુ મદદ મળે તેવી શક્યતા નથી. પુણેની પીચની પ્રકૃતિ એવી છે કે અહીં ઉછાળ અને ગતિ સામાન્ય રહે છે. આ સ્થિતિમાં બોલ સરળતાથી બેટમાં આવે છે. બેટરને અહીં શોટ મારવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ સિવાય સ્પિન બોલરોને પણ અહીં ઘણી મદદ મળી શકે છે.
અહીંની પીચ બનાવવામાં કાળી માટીનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંની પીચ ટેસ્ટ મેચના પહેલા બે દિવસ બેટિંગ માટે ઘણી મદદરૂપ થશે. જે પણ ટીમ ટોસ જીતશે તે પહેલા બેટિંગ કરવા માંગશે. પહેલા બે દિવસ પુણેની પીચ પર સારો સ્કોર કરી શકાય છે. ત્રીજા દિવસથી સ્પિન બોલરોને અહીંથી મદદ મળવાનું શરુ થઇ શેક છે. પુણેની ટેસ્ટમાં વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનની મોટી ભૂમિકા હશે.
આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં માત્ર બે ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતે અહીં 23-25 ફેબ્રુઆરી 2017 દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમી હતી. આ મેચમાં કાંગારૂ ટીમે ભારતને 333 રનથી હરાવ્યું હતું. આ પછી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 10 થી 13 ઓક્ટોબર 2019 દરમિયાન અહીં બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારતે આ મેચ એક ઇનિંગ અને 137 રને જીતી લીધી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 254 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિને આ મેચમાં કુલ 6 વિકેટ લીધી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડના ક્રિકેટ મેચના રેકોર્ડની વાત કરીએ તો આમાં ભારતીય ટીમ આ બાબતમાં આગળ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 63 ટેસ્ટ મેચ રમાઈ છે. તેમાંથી 22 મેચમાં ભારત અને 14 મેચમાં ન્યૂઝીલેન્ડે જીત મેળવી હતી. અને 27 ટેસ્ટ મેચનું પરિણામ ડ્રો રહ્યું છે. ભારતે તેની ધરતી પર ન્યૂઝીલેન્ડ સામે 17 ટેસ્ટ જીતી છે. ઘરઆંગણે ભારત ન્યૂઝીલેન્ડ સામે એક પણ ટેસ્ટ સીરિઝ હર્યું નથી.
બંને ટીમો વચ્ચે રમાયેલી દરેક ટેસ્ટ સીરિઝમાં ભારતનો દબદબો રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામે ભારતે 12 ટેસ્ટ સીરીઝ જીતી છે, જ્યારે કીવી ટીમે 7 ટેસ્ટ સીરીઝમાં ભારતને હરાવ્યું છે. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની પહેલી આવૃત્તિની અંતિમ મેચનો પણ સમાવેશ થાય છે. જેમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડમાં ભારતને હરાવીને પહેલી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતી હતી.