KKR એ તોફાની બેટરને રિલીઝ કરીને મોટી ભૂલ કરી, સતત બે ફિફ્ટી બાદ ફટકારી ઝડપી સદી
Phil Salt : આગામી IPL 2025ને લઈને KKR(Kolkata Knight Riders)એ જે ઇંગ્લેન્ડના બેટરને ટીમમાં સામેલ કેવા માટે યોગ્ય સમજ્યો ન હતો તે બેટર હાલમાં તોફાની બેટિંગ કરી રહ્યો છે. આ ખેલાડી ફિલ સોલ્ટ છે. જેને શનિવારે રાત્રે તોફાની સદી ફટકારીને KKRને અહેસાસ કરાવ્યો કે તેણે કદાચ મોટી ભૂલ કરી દીધી છે. સોલ્ટે વેસ્ટ ઈન્ડિઝ સામે ઈંગ્લેન્ડ માટે 55 ટકાથી વધુ રન બનાવ્યા હતા. અને ટીમને જીતાડીને અણનમ રહ્યો હતો. સોલ્ટની સદીની મદદથી ઈંગ્લેન્ડે પહેલી T20 મેચમાં 19 બોલ બાકી રહેતા વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું હતું.
હાલમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. જ્યાં ઈંગ્લેન્ડની ટીમને વનડે સીરિઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ દબાણમાં આવવાને બદલે વધુ આક્રમક બની ગઈ
છે. પાંચ મેચોની T20 સીરિઝની પહેલી મેચમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને કારમી હાર આપી હતી. યજમાન વેસ્ટ ઈન્ડિઝે પહેલી T20 મેચમાં 182 રનનો સ્કોર બનાવ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 17મી ઓવરમાં જ આ મેચ જીતી લીધી.
ઈંગ્લેન્ડની આ શાનદાર જીતનો હીરો ઓપનર ફિલ સોલ્ટ રહ્યો હતો. તેણે 54 બોલમાં 103 રનની અણનમ ઇનિંગ રમી હતી. 183 રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે સારી શરૂઆત કરી હતી. ફિલ સોલ્ટ અને વિલ જેક્સે 6 ઓવરમાં 73 રનની ભાગીદારી કરી હતી. જો કે પછીથી ઈંગ્લેન્ડને એક પછી એક બે આંચકાઓ લાગ્યા હતા. વિલ જેસ 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલો કેપ્ટન જોસ બટલર પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. વિલ જેક્સ અને જોસ બટલરને પણ તેમની IPL ટીમોએ રિટેન રાખ્યા નથી. IPL 2024માં વિલ જેક્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી અને બટલર રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યા હતા.
કેપ્ટન બટલરના આઉટ થયા બાદ ફિલ સોલ્ટ અને જેકબ બેથલે ઈંગ્લેન્ડની ઇનિંગ સંભાળી હતી. બંનેએ 107 રનની અણનમ ભાગીદારી કરી હતી. KKR દ્વારા ફિલ સોલ્ટને રિલીઝ કર્યા બાદ તેણે ઈંગ્લેન્ડ માટે 59, 74 અને 103 રનની ઈનિંગ્સ રમી હતી. આ તેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય સદી છે.
અહીં તમને જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સે 31 ઓક્ટોબરના રોજ તેની રિટેન યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 6 નામ હતા. પરંતુ ફિલ સોલ્ટનું નામ હતું નહી. KKRએ રિંકુ સિંહ, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, રમનદીપ સિંહને રિટેન રાખ્યા છે.