લોકો કહે છે કે કોહલી અને રોહિત જેવા સ્ટાર્સ ઘમંડી હોય છે પણ...: કોચિંગના અનુભવ પર જુઓ શું બોલ્યો દ્રવિડ
Rahul Dravid On Senior Players Ego: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ રાહુલ દ્રવિડે ટીમના મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપ્યું હતું. વર્લ્ડકપ પૂરો થતાંની સાથે દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો હતો. દ્રવિડ બાદ ગૌતમ ગંભીરને ટીમનો મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યો હતો. હવે કોચનું પદ છોડ્યા બાદ દ્રવિડે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ઘણાં મોટા ખેલાડીઓ વિશે વાત કરી છે. એક રીતે દ્રવિડે ટીમના મોટા સુપરસ્ટાર ખેલાડીઓના રહસ્યો ઉજાગર કર્યા છે.
દ્રવિડે જણાવ્યું કે, 'એવું કહેવાય છે કે સુપરસ્ટાર ખેલાડીઓને સંભાળવા ખૂબ મુશ્કેલ હોય છે. હું ટીમની સફળતાનો સંપૂર્ણ શ્રેય લઈ શકતો નથી. ટીમ સિનિયર ખેલાડીઓની મદદથી આગળ વધે છે અને તેમનું નેતૃત્વ કેપ્ટન કરે છે. રોહિત સાથે કામ કરવું મારા માટે સન્માનની વાત હતી. હું અઢી વર્ષ તેની સાથે રહ્યો. તે એક જબરદસ્ત કેપ્ટન છે અને ખેલાડીઓ તેના તરફ ઝુકાવ છે તેનાથી ઘણો ફરક પડે છે.'
દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાં મોટા ખેલાડીઓ જેવા કે વિરાટ, બુમરાહ કે અશ્વિન વિશે જણાવ્યું હતું કે, 'ક્યારેક લોકો વિચારે છે કે તેમનો અહંકાર ઘણો મોટો છે અને તેમને સંભાળવા ખૂબ મુશ્કેલ છે કારણ કે તે સુપરસ્ટાર છે. તેમને લાખો લોકો ફોલો કરે છે. પરંતુ આ કરતા તેઓ વિપરીત છે. આ સુપરસ્ટાર ખેલાડીઓમાંથી ઘણાં તેમના કામ પ્રત્યે નમ્ર છે અને તેથી જ તેઓ સુપરસ્ટાર છે. તે પરિસ્થિતિ, ટેક્નોલોજી અને જરૂરિયાત અનુસાર, પોતાની જાતને બદલવા તૈયાર છે. ક્યારેક તેમણે વર્કલોડને મેનેજ કરવો પડે છે. મને તેની સાથે કામ કરવાની ખુબ મજા આવી. તેમણે અદ્ભુત વાતાવરણ ઊભું કર્યું હતું. તેનો શ્રેય કેપ્ટન અને સિનિયર ખેલાડીઓને જવો જોઈએ.'