ધોની જેવા લોકો ખૂબ ઓછા જોવા મળે...: યોગરાજ સિંહના સૂર બદલાયા, કર્યા ભરપેટ વખાણ
Yograj Singh on MS Dhoni : યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પ્રત્યે પોતાના વલણમાં બદલાવ કર્યો છે. અગાઉ તેણે પોતાના પુત્રની કારકિર્દીનો અંત લાવવા માટે ધોનીને જવાબદાર ઠેરવ્યો હતો. હવે યુ-ટર્ન લેતા તેણે પૂર્વ કેપ્ટનની પ્રશંસા કરી છે. તેમણે મેદાન પર ધોનીના નિર્ણયોને શાનદાર ગણાવ્યા હતા અને તેને એક પ્રેરણાદાયી કેપ્ટન ગણાવ્યો હતો.
ધોનીની યોગરાજ કરી પ્રસંશા
એક ઇન્ટરવ્યૂમાં યોગરાજ સિંહે કહ્યું હતું કે, 'હું ધોનીને ખૂબ જ પ્રેરણાદાયી કેપ્ટન તરીકે જોઉં છું. જે લોકોને શું કરવું તે કહી શકે છે. ધોનીની સૌથી સારી વાત એ હતી કે તે વિકેટ વાંચી શકતો હતો અને બોલરોને કહી શકતો હતો કે તેમણે ક્યાં બોલિંગ કરવાની છે. મને તેની સૌથી વધુ જો કોઈ વાત ગમી હોય તો એ છે કે, તે એક નીડર વ્યક્તિ છે. જો તમને યાદ હોય તો ઓસ્ટ્રેલિયામાં તેને મિશેલ જોહ્ન્સન દ્વારા તેને ઉશ્કેરવામાં આવ્યો હતો પરંતુ તે ક્રીઝ પરથી હાલ્યો ન હતો અને ત્યાં જ ઊભો રહ્યો અને બીજા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. આવા લોકો બહુ ઓછા હોય છે.'
યોગરાજે અગાઉ ધોનીની કરી હતી આકરી ટીકા
અગાઉ વર્ષ 2024માં એક ઇન્ટરવ્યૂમાં યોગરાજે કહ્યું હતું કે તે ધોનીને ક્યારેય માફ નહીં કરે. તેમણે પોતાના પુત્રની નિવૃત્તિ માટે ધોનીને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'હું એમએસ ધોનીને ક્યારેય માફ નહીં કરું. તેણે અરીસામાં પોતાનો ચહેરો જોવો જોઈએ. તે એક મહાન ક્રિકેટર છે. પણ તેણે મારા દીકરા સાથે જે કર્યું હતું તે બધું હવે બહાર આવી રહ્યું છે. આ જીવનમાં હું તેને ક્યારેય માફ નહી કરું. મેં જીવનમાં ક્યારેય બે કામ કર્યા નથી. પહેલું, મેં ક્યારેય કોઈને માફ નથી કર્યા કે જેણે મારી સાથે ખોટું કર્યું હોય અને બીજું મેં મારા જીવનમાં ક્યારેય તેને ગળે લગાવ્યા નથી, પછી ભલે તે મારા પરિવારના સભ્યો કે મારા બાળકો હોય કે ન હોય.'
વિરાટ પર પણ લગાવ્યા હતા આરોપ
યોગરાજે કહ્યું હતું કે, યુવરાજને કેન્સર થયા પછી તે થોડા વધુ વર્ષો સરળતાથી રમી શક્યો હોત, પરંતુ એમએસ ધોની અને પછી વિરાટ કોહલીએ તેને ભારતીય ટીમમાંથી બહાર કરી દીધો હતો. જેથી આવું શક્ય બન્યું ન હતું. જો કે, હવે તેમણે પોતાનું વલણ બદલી નાખ્યું છે અને ધોનીની કેપ્ટનશીપની પ્રશંસા કરી છે.