મારી સુંદરતાના કારણે લોકો ઈર્ષ્યા કરતાં: ટીમમાંથી હકાલપટ્ટી મુદ્દે પાકિસ્તાની ખેલાડીએ ગજબ કારણ આપ્યું
Ahmed Shehzad : એક સમય હતો કે જયારે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં અહેમદ શહજાદની સરખામણી ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલી સાથે કરવામાં આવતી હતી. આ સરખામણી તેની બેટિંગ માટે નહી પરંતુ તેના લુક માટે કરવામાં આવતી હતી. અમુક હદ સુધી આ ઠીક પણ હતું કારણ કે શહજાદ થોડા અંશે વિરાટ કોહલી જેવો દેખાય છે. આ દરમિયાન પોતાના લુકને લઈને શહજાદે એક વિચિત્ર દલીલ આપી છે. તેને કહ્યું હતું કે, 'મારા સારા દેખાવને કારણે ટીમના સિનિયર ખેલાડીઓ મારી ઈર્ષ્યા કરતા હતા.'
મારી સુંદરતા મને મોંઘી પડી
પોતાના દેખાવને લઈને અહેમદ શહજાદે કહ્યું હતું કે, 'મારી સુંદરતા મને મોંઘી પડી હતી. અમારા પ્રોફશનમાં, જો તમે સારા દેખાશો, તમારૂ ડ્રેસિંગ સારું હોય અને તમે સારું બોલી શકતા હો તો સિનિયર ખેલાડીઓ તમારી ઈર્ષ્યા કરે છે. હું બાળપણથી જ ક્રિકેટ રમું છું, પણ મેં ક્યારેય અપેક્ષા નહોતી રાખી કે લોકો મારી રમતથી નહીં પણ મારા સારા દેખાવથી મને જજ કરશે.'
મને પાકિસ્તાન ક્રિકેટમાં નુકસાન થયું
અહેમદ શહજાદ એવા પાકિસ્તાની ક્રિકેટરોમાંનો એક છે જે પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલી રાજનીતિ વિશે ખુલ્લેઆમ બોલે છે. જેને લઈને શહજાદે કહ્યું હતું કે, 'હું સુંદર છું જેના કારણે મને પાકિસ્તાન ક્રિકેટમાં નુકસાન થયું હતું. હું આનો ભોગ બન્યો છું અને હું અહીં મારો બચાવ નથી કરી રહ્યો. મારા સિવાય, બીજા પણ લોકો છે જે આનો ભોગ બન્યા છે.'
શહજાદનો કંગાળ દેખાવ
છેલ્લે પાકિસ્તાન માટે અહેમદ શહજાદ વર્ષ 2019માં રમ્યો હતો. તે વર્ષે તેને બે T20 મેચમાં રમવાનો મોકો મળ્યો હતો. જેમાં તે માત્ર 17 બનાવી શક્યો હતો. વર્ષ 2018માં શહજાદ 4 T20I મેચ રમ્યો હતો જેમાં તેણે 101 રન બનાવ્યા હતા. આ જ હાલ તેનો વનડેમાં છે. વનડેમાં તેણે છેલ્લી 8 ઇનિંગમાં માત્ર 120 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં તેણે 10 ઇનિંગ્સમાં 264 રન બનાવ્યા હતા. તેના આ ખરાબ પ્રદર્શનને કારણે શહજાદને પાકિસ્તાનની ટીમમાંથી પડતો મૂકાયો હતો.