બેટ પર પેલેસ્ટાઈનો ધ્વજ લગાવવાનો મામલો, પાકિસ્તાનની ક્રિકેટરને મેચ રેફરીએ કરેલી સજા PCBએ માફ કરી
આઝમ ખાને પાછલી 2 મેચોમાં પણ પેલેસ્ટાઇનના ધ્વજનું સ્ટીકર બેટ પર લગાવ્યું હતું
Image:SocialMedia |
Azam Khan Fined For Using Palestine Flag : પાકિસ્તાનમાં તાજેતરમાં રમાઈ રહેલા નેશનલ T20 કપમાં વિકેટકીપર બેટ્સમેન આઝમ ખાનને પોતાના બેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવવા બદલ મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ દંડ હટાવી દીધો છે. આઝમ ખાન પર દંડ હટાવવા અંગે PCB તરફથી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 'મેચ અધિકારીઓએ આઝમ ખાન પર મેચ ફીસના 50 ટકાનો દંડ લગાવ્યો હતો, જેને PCB દ્વારા પાછો ખેંચી લેવામાં આવ્યો છે.'
આઝમ ખાન પર મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો
આઝમ ખાન નેશનલ T20 કપમાં કરાંચી વ્હાઇટ્સનો ભાગ છે.રવિવારે લાહોર બ્લુ સામે રમાયેલી ટુર્નામેન્ટની એક મેચમાં આઝમ ખાન સમર્થન બતાવવા માટે બેટ પર પેલેસ્ટાઈનના ધ્વજનું સ્ટીકર લગાવીને મેદાનમાં આવ્યો હતો. આઝમને લેવલ-1ના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. તેણે PCBની આચાર સંહિતાની કલમ 2.4નું ઉલ્લંઘન કર્યું હતું.
શું કહે છે ICC આચાર સંહિતા
પાકિસ્તાની મીડિયા અહેવાલો મુજબ આઝમ ખાને રવિવારે લાહોર સામે રમાયેલી મેચ પહેલા પાછલી 2 મેચોમાં પેલેસ્ટાઇનના ધ્વજનું સ્ટીકર પોતાના બેટ પર લગાવ્યું હતું પરંતુ મેચ અધિકારીઓએ તેને કોઈ ચેતવણી આપી ન હતી. ICC આચાર સંહિતા અનુસાર, "ખેલાડીઓ કોઈપણ પ્રકારના સંદેશ પ્રદર્શિત કરી શકતા નથી જે કોઈપણ રાજકીય, ધાર્મિક અથવા વંશીય પ્રવૃત્તિઓ વગેરેને સમર્થન આપે છે."