ચેમ્પિયન્સ ટ્રોફી : પાકિસ્તાને કહ્યું, ભારત વિશે કંઈ બોલશો નહીં, આ લોકોને હેન્ડલ કરવા દો
Champions Trophy: ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે પાકિસ્તાનમાં થવાનું છે. છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં ભારત ક્રિકેટ રમવા માટે જતુ નથી. હવે આ ટૂર્નામેન્ટમાં ;પણ ભારત પાકિસ્તાનમાં રમવા જશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે, બીસીસીઆઈએ અગાઉ પણ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં કોઈ મેચ નહીં રમે.
હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ તેમની ઓફિસ અને સાથીઓને સલાહ આપી છે. આવતા વર્ષની ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમ મોકલવાના ભારતના નિર્ણયથી સંબંધિત કોઈ નિવેદન ન આપો.
પીટીઆઈ દ્વારા એકત્ર કરાયેલી માહિતી અનુસાર, PCBના વડાએ આ મુદ્દે પોતાના અને અન્ય અધિકારીઓ માટે એક સૂચના જાહેર કરી છે કે આ અંગે કોઈ ટીપ્પણી ન કરવી અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને તેનો નિવેડો લાવવા દેવો.
તૈયારીઓ ચાલુ રાખો
પીસીબીના એક સૂત્રએ કહ્યું હતું કે, "આ જ કારણથી છેલ્લા કેટલાક દિવસોમાં નકવી અથવા બોર્ડના અન્ય કોઈ પણ અધિકારી તરફથી કોઈ ટિપ્પણી અથવા નિવેદન આવ્યું નથી. તેણે કહ્યું હતું કે નકવીએ પોતાની ટીમ અને સંબંધિત અધિકારીઓને ભારત પોતાની ટીમ પાકિસ્તાનમાં રમવા મોકલશે એવું માનીને તૈયારીઓ ચાલુ રાખવાનું કહ્યું છે.
જો કે BCCIના સેક્રેટરી જય શાહે આ મામલે પહેલા જ કહી દીધું છે કે ભારતીય ટીમ પાકિસ્તાન રમવા નહીં જાય. પીસીબી પણ તમામ પ્રયાસો છતાં ભારતને મનાવી શક્યું નથી. જેના કારણે આ ટુર્નામેન્ટમાં ભારતની તમામ મેચ કોઈ તટસ્થ સ્થળે જેમ કે શ્રીલંકા અથવા UAE માં રમાઈ શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન 19 ફેબ્રુઆરીથી 9 માર્ચની વચ્ચે પાકિસ્તાનમાં થશે. 8 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. 4-4 ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. તો ગ્રુપ B માં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ રમશે.