જીવનના છેલ્લા શ્વાસ સુધી વિકેટ યાદ રહેશે....પેટ કમિન્સને વર્લ્ડ કપ ફાઈનલની આ ક્ષણને કહી સૌથી ખાસ
નવી દિલ્હી,તા. 28 નવેમ્બર 2023, મંગળવાર
આપણા દેશની સરજમીન પર અજેય ભારતને વર્લ્ડકપની ફાઈનલમાં મેચમાં રગદોડીને છઠ્ઠી વખત ટાઈટલ જીતનાર અને મેચમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સની પોતાના દેશમાં ફિક્કા સ્વાગત બાદ હવે વધામણી થઈ છે. SCGમાં એક બહુમાન સમારંભ યોજાયો હતો.
કમિન્સ માટે આ વર્ષ સૌથી શાનદાર રહ્યું છે! ક્રિકેટના કોઈપણ ખેલાડીના મનમાં સપના હોય તે તમામ સપના આ વર્ષે કમિન્સે પૂરા કર્યા છે. વર્ષ 2023માં કમિન્સે ત્રણેય વર્લ્ડ કપ, T-20, ટેસ્ટ અને ODI પણ જીત્યા. ફાઈનલના એક દિવસ પહેલા પેટ કમિન્સે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 1.3 લાખ લોકોની ભીડને શાંત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભારતમાં જ મેચ દરમિયાન સ્વદેશી ટીમ માટે ચીયર્સ કરતી આ ભીડ માટેના તેમના નિવેદનના ઘણા અર્થ હતા અને અંતે તેમણે કરી બતાવ્યું હતુ. રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીત્યા બાદ કમિન્સને જ્યારે વર્લ્ડ કપ ફાઈનલમાંથી એક ખાસ ક્ષણ પસંદ કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેનો જવાબ હતો, ભારતની એ વિકેટ-બેશકિંમતી હતી...
રિપોર્ટરે પેટ કમિન્સને પૂછ્યું કે, તમે તમારા મૃત્યુની શૈયાપથારી પર છેલ્લી ક્ષણે શું વિચારશો? કમિન્સે જવાબ આપ્યો, 'મને લાગે છે કે વિરાટ કોહલીની વિકેટ. આ વિકેટ જોઈને હું ખૂબ જ ઉત્સાહિત થયો હતો. સ્ટીવ સ્મિથે અમને ત્યારે કહ્યું હતુ કે, 'Boys, એક સેકન્ડ માટે આ ભીડને સાંભળો અને સાચ્ચે જ અમે તે ક્ષણનો આનંદ માણ્યો હતો. એક લાઈબ્રેરી જેવી શાંતિ પ્રસરી હતી. ત્યાં એક લાખ ભારતીયો હોવા છતા સન્નાટો છવાઈ ગયો હતો. હું તે ક્ષણને લાંબા સમય સુધી માણીશ.’
કમિન્સનું ફાઈનલમાં કમાલ પરફોર્મન્સ :
કમિન્સે ફાઇનલમાં 34 રનમાં બે વિકેટ લીધી હતી, જેમાંથી એક કિંગ કોહલીની વિકેટ પણ હતી. 81 રનમાં 3 વિકેટ પડી જતાં ભારત અધવચ્ચે જ અટકી ગયું હતું. વિરાટ કોહલી અને કેએલ રાહુલે મિડલ ઓવરોમાં પિચને અનુરૂપ બેટિંગ કરવામાં ભારે સુસ્તી દર્શાવી હતી. અડધી સદી ફટકારી હોવા છતાં બંને બેટ્સમેનોના બેટ પર બોલ નહોતો આવતો. અંતે સૂર્યકુમાર યાદવ અને રવિન્દ્ર જાડેજા મોટા શોટ ફટકારે તેવી અપેક્ષા છે પરંતુ, અંતે નિરાશા જ સાંપડી હતી.
ભારત આખરે 240 રનમાં આઉટ થઈ ગયું હતું, પરંતુ 47 રનમાં ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ સાથે ટ્રેવિસ હેડની સદીએ ભારતને મેચમાંથી બહાર ફેંકી દીધું હતું. બીજા દાવમાં બેટિંગ ઘણી સરળ બની ગઈ. ભારતીય ટીમ સતત 10 મેચ જીતીને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાએ હરાવીને બતાવ્યું કે કાંગારૂ કેવી મોટી ટૂર્નામેન્ટની મોટી ટીમ છે.