પેટ કમિન્સની બાંગ્લાદેશ સામેની હેટ્રિક ભારત માટે શુભ સંકેત, ફરી ભારતનો થશે T20 World Cup…!
વિશ્વની સૌથી મોટી ચેમ્પિયનશીપ T20 World Cupના અંતિમ તબક્કામાં પહોંચવા માટે હાલ ભારે રસાકસી જામી રહી છે. સુપર-8 ટીમો વચ્ચે સેમિફાઈનલની ટિકિટ માટે મહામુકાબલા રમાઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા-બાંગ્લાદેશ વચ્ચેની 44મી મેચમાં વરસાદના વિધ્ન સાથે અંતે કાંગારૂ ટીમે DLS મેથડથી જીત અંકે કરી છે. જોકે આ મેચમાં એક અનોખો રેકોર્ડ સર્જાયો છે અને તે ભારત માટે એક શુભ સંકેત મનાઈ રહ્યો છે કે ભારત આ વર્ષે ફરી ઈતિહાસમાં બીજી વખત T20 World Cup ઉઠાવી શકે છે.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 141 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન સતત વરસાદ નડ્યો હતો. ડેવિડ વોર્નરની લડાયક અડધી સદી અને 11.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 100 રન બનાવ્યા બાદ વરસાદ નડ્યો અને અંતે ડકવર્થ-લુઈસ નિયમના આધારે અમ્પાયરોએ Ausને વિજેતા જાહેર કરી હતી.
પેટ કમિન્સનો ઈતિહાસ અને ભારત માટે શુભ સંકેત :
પેટ કમિન્સે T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ હેટ્રિક લઈને બાંગ્લાદેશની બેટિંગ લાઈન વેર વિખેર કરી નાખી હતી. પેટ કમિન્સે પોતાની છેલ્લી બે ઓવરમાં આ હેટ્રિક લીધી હતી. હા બે ઓવરમાં જ હેટ્રિક. કમિન્સે બાંગ્લાદેશની ઇનિંગ્સની 18મી ઓવરના છેલ્લા બે બોલ પર મહમુદુલ્લાહ અને મેહદી હસનની વિકેટ ઝડપી તો 20મી ઓવરના પહેલા બોલ પર તૌહીદ હૃદયને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી હતી. બાંગ્લાદેશ સામે ઓસ્ટ્રેલિયન બોલરે 4 ઓવરમાં 29 રન આપીને હેટ્રિક સાથે 3 વિકેટ ઝડપી હતી.
T20 વર્લ્ડ કપના ઈતિહાસની આ સાતમી હેટ્રિક હતી. જોકે મહત્વની વાત એ છે કે ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો બીજો બોલર બન્યો છે. આ અગાઉ બ્રેટ લીએ 2007માં યોજાયેલા પ્રથમ T20 વર્લ્ડકપમાં હેટ્રિક લીધી હતી. સંયોગવશ આ વર્ષે જ ભારતે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે બ્રેટ લીએ પણ તેની હેટ્રિક બાંગ્લાદેશ સામે જ લીધી હતી.
હવે ટી-20 વર્લ્ડ કપ 2024માં બાંગ્લાદેશ સામે ઓસ્ટ્રેલિયાના અન્ય એક બોલરની હેટ્રિકથી ભારત માટે યોગાનુયોગ સંયોગ ઉભા થયા છે કે આ વખતે પણ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતીને આવશે.
T20 વર્લ્ડ કપની હેટ્રિક પર એક નજર :
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં હેટ્રિક લેનાર કમિન્સ વિશ્વનો 7મો બોલર બન્યો છે. આ કારનામું કરનાર બ્રેટ લી 2007માં પ્રથમ હતો. ત્યારબાદ 2021 T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડના કર્ટિસ કેમ્ફર, 2021 T20 વર્લ્ડ કપમાં જ શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા અને દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડાએ પણ હેટ્રિક લીધી હતી. UAEના કાર્તિક મેયપન અને આયર્લેન્ડના જોશ લિટલે 2022 T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લીધી હતી.