IPL પહેલા SRHનો મોટો નિર્ણય, ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું તોડનાર ખેલાડીને બનાવ્યો કેપ્ટન
સનરાઇઝર્સ હૈદરાબાદે IPL મિની ઓક્શનમાં પેટ કમિન્સ પર 20.50 કરોડ ખર્ચ્યા હતા
Image:File Photo |
Sunrisers Hyderabad New Captain : IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થવાની છે. પરંતુ તે પહેલા IPL ફ્રેન્ચાઇઝીસમાં ફેરફાર થવાના શરુ થઇ ગયા હતા. હવે આ વચ્ચે સનરાઇઝર્સ હૈદરાબાદે આગામી IPL 2024 માટે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. ODI વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું તોડનાર ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સને SRHએ પોતાના નવા કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. IPLની ગત સિઝનમાં સનરાઈઝર્સની કમાન એડન માર્કરમે સંભાળી હતી. હવે કમિન્સ માર્કરમનું સ્થાન લેશે. માર્કરમના નેતૃત્વમાં હૈદરાબાદનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, ટીમ 14માંથી 10 મેચ હારી ગઈ હતી અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 10માં સ્થાને રહી હતી. હૈદરાબાદ ટીમ મેનેજમેન્ટે ટીમના પ્રદર્શનને સુધારવા માટે આ નિર્ણય લીધો છે.
20.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો
સનરાઇઝર્સ હૈદરાબાદે IPL મિની ઓક્શનમાં પેટ કમિન્સ પર ઘણા પૈસા ખર્ચ્યા હતા. SRHએ ઓસ્ટ્રેલિયાના આ ફાસ્ટ બોલરને 20.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આવી સ્થિતિમાં તેનું કેપ્ટન બનવું સ્વાભાવિક હતું. કમિન્સ માટે છેલ્લા 9 મહિના અભૂતપૂર્વ રહ્યા છે. તેના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાએ એશિઝ સીરિઝ પણ જીતી હતી. આ સિવાય ઓસ્ટ્રેલિયા 2023માં ભારતમાં આયોજિત વર્લ્ડકપ જીતવામાં પણ સફળ રહ્યું હતું.
ડેવિડ વોર્નરના નેતૃત્વમાં જીત્યું હતું ટાઈટલ
પેટ કમિન્સને ગયા વર્ષે ICC ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો અને તેને ICC ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ નિયુક્ત કરવામાં આવ્યો હતો. પેટ કમિન્સના નેતૃત્વમાં આ વર્ષે સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન સુધરશે તેવી અપેક્ષા છે. જણાવી દઈએ કે હૈદરાબાદની ટીમે તેનું છેલ્લું ટાઇટલ IPL 2016માં ડેવિડ વોર્નરના નેતૃત્વમાં જીત્યું હતું.