Get The App

કોણ છે મનિકા બત્રા? ટેબલ ટેનિસ માટે મોડલિંગ છોડ્યું! ટોક્યો ઓલિમ્પિકમાં પણ રચ્યો હતો ઈતિહાસ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
manika-batra


Paris Olympics 2024: ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ પેરિસ ઓલિમ્પિકમાં એક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેણે ફ્રેન્ચ ખેલાડી સામે જીત મેળવી અને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સાથે તે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ઓલિમ્પિક ઇતિહાસની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે.

ટેબલ ટેનિસ સ્પર્ધામાં ઈતિહાસ સર્જનાર મનિકા બત્રા દિલ્હીની રહેવાસી છે. ઓલિમ્પિક સુધીની તેની આખી સફર ઐતિહાસિક રહી છે. મનિકાએ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારત માટે મેડલ જીત્યો છે. આથી ઓલિમ્પિકમાં પણ તેની પાસે ભારતને વધુ આશા છે. એવા હવે લોકોને મનિકા બત્રા કોણ છે અને તેની ઓલિમ્પિક સુધીની સફર કેવી રહી તે જાણવાની ઉત્સુકતા છે. 

કોણ છે મનિકા બત્રા?

14 જૂન 1995ના રોજ દિલ્હીમાં મનિકા બત્રાનો જન્મ થયો હતો. તેણે 4 વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. તે શાળા અને ઘરે બંને જગ્યાએ ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરતી હતી. માત્ર 7 વર્ષની ઉંમરે મનિકાએ અંડર-8 કેટેગરીમાં સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ જીતી હતી. આ પછી તે દિલ્હીની સર્વશ્રેષ્ઠ ખેલાડી બની. જ્યારે મનિકાએ અહીંથી પોતાની સફર શરૂ કરી ત્યારે તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં પાકિસ્તાનની ફજેતી, કોમેન્ટેટરે કહ્યું - 24 કરોડની વસતી અને માત્ર 7 એથલીટ...

ટેબલ ટેનિસ માટે મોડેલિંગની ઓફર પણ નકારી હતી 

મનિકા બત્રા 4 વર્ષની હતી ત્યારથી જ ટેબલ ટેનિસ રમી રહી છે. ટેબલ ટેનિસ માટે તેણે કિશોર વયે મળેલી મોડેલિંગની ઓફરને નકારી કાઢી હતી. જેમ પીવી સિંધુ અને સાયના નેહવાલ બેડમિન્ટનમાં પોતાનું નામ બનાવ્યું અને બેડમિન્ટનને પણ લોકપ્રિય બનાવ્યું તે જ રીતે મનિકા બત્રા પણ ટેબલ ટેનિસને પણ આ જ ઊંચાઈ પર લઈ જવા માંગે છે.

21 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો

મનિકાએ માત્ર 21 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો. જોકે, તે રિયો ઓલિમ્પિક-2016ના પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. આ પરાજયના બીજા જ વર્ષે, 2017માં, તે ITTF રેન્કિંગમાં વિશ્વમાં 104 સ્થાન પર પહોંચી હતી, જે ભારતની કોઈપણ મહિલા ટેબલ ટેનિસ ખેલાડીની સર્વોચ્ચ રેન્કિંગ હતી.

આ પણ વાંચો: VIDEO : બેટરે એવો છગ્ગો ફટકાર્યો કે બોલ બાજુના ખેતરમાં પડ્યો, ખેડૂત બોલ લઈને જ ભાગી ગયો

કોમનવેલ્થ ગેમ્સમાં પણ ઈતિહાસ રચાયો

આ ખેલાડીએ 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ફાઇનલમાં સિંગાપોરની 4 વખતની ગોલ્ડ મેડલ વિજેતા યુ મેંગ્યુને હરાવીને મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીતથી મનિકા બત્રા કોમનવેલ્થ ગેમ્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ. તે જ વર્ષે, મનિકાને ITTF નો 'બ્રેકથ્રુ સ્ટાર' એવોર્ડ પણ મળ્યો હતો, આ સન્માન મેળવનાર મનિકા એકમાત્ર ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી છે.

મનિકા ત્રીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે

ટોક્યો ઓલિમ્પિક-2020માં પણ મનિકા બત્રાએ ઈતિહાસ રચ્યો હતો અને મહિલા સિંગલ્સમાં રાઉન્ડ ઓફ 32માં જગ્યા બનાવી હતી. આવું કરનાર તે ભારતની પ્રથમ મહિલા ટેબલ ટેનિસ ખેલાડી બની હતી. આ સિવાય મનિકાએ ગોલ્ડ કોસ્ટ-2018માં 2 ગોલ્ડ સહિત 4 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મનિકા બત્રા ત્રીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે.

આ પણ વાંચો: નીરજ ચોપડાનો જબરો ફેન! 2 વર્ષમાં '22 હજાર કિલોમીટર' સાઇકલ ચલાવીને મળવા પહોંચ્યો પેરિસ

પેરિસ ઓલિમ્પિક-2024માં પણ ઈતિહાસ રચ્યો 

મનિકા બત્રાએ ઈતિહાસ રચ્યો છે અને પેરિસ ઓલિમ્પિક-2024માં રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે. મનિકાએ ટેબલ ટેનિસ સિંગલ્સ રાઉન્ડ ઓફ 32માં ફ્રાન્સની પ્રિતિકા પાવડને હરાવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. મણિકા ટેબલ ટેનિસમાં રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. મેચની 37મી મિનિટે મનિકાએ ફ્રેન્ચ ખેલાડી સામે 11-9, 11-6, 11-9, 11-7થી જીત મેળવી હતી. હવે મનિકાનો મુકાબલો મહિલા સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં 8મી ક્રમાંકિત જાપાની ખેલાડી મિયુ હિરાનો અથવા ચીનની ખેલાડી ઝુ ચેંગઝુ સામે થશે.

કોણ છે મનિકા બત્રા? ટેબલ ટેનિસ માટે મોડલિંગ છોડ્યું! ટોક્યો ઓલિમ્પિકમાં પણ રચ્યો હતો ઈતિહાસ 2 - image


Google NewsGoogle News