Olympics-2024 : જોકોવિચે ઈતિહાસ રચ્યો, અલ્કરાજને હરાવી પેરિસમાં જીત્યો પહેલો ગોલ્ડ મેડલ
Paris Olympics 2024 Tennis : દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચનું અધૂરું સપનું પૂરું થયું છે. તેણે કારકિર્દીમાં પ્રથમ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે. જોકોવિચે રવિવારે પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં 37 વર્ષીય સર્બિયન ખેલાડી કાર્લોસ અલ્કારાઝને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. તેણે અલ્કારાઝને 7-6(3), 7-6(2)થી હરાવ્યો હતો. જોકોવિચ 1988 પછી ઓલિમ્પિક ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે.
જોકોવિચે કુલ 24 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા
જોકોવિચે અત્યાર સુધીમાં કુલ 24 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે, જોકે તેણે અત્યાર સુધી એક પણ ઓલિમ્પિક મેડલ મેળવ્યો ન હતો, જોકે હવે તેનું સ્વપ્ન પુરુ થયું છે. તેણે ઇટાલીના લોરેન્ઝો મુસેટ્ટીને હરાવીને તેની પ્રથમ ઓલિમ્પિક ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો : હોકી ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી; બેડમિન્ટન, શૂટિંગ, બોક્સિંગ અને લોંગ જમ્પમાં ભારત બહાર
અગાઉ જોકોવિચ ત્રણ વખત ઓલિમ્પિકની સેમિફાઈનલમાં હાર્યો હતો
ટોચનો ક્રમાંકિત જોકોવિચ (Novak Djokovic) તેની અગાઉની ત્રણ ઓલિમ્પિક સેમિફાઇનલ હારી ગયો હતો. જોકોવિચે બેઇજિંગ-2008માં રાફેલ નડાલ સામે, 2012માં લંડનમાં એન્ડી મરે સામે અને 2021માં ટોક્યોમાં એલેક્ઝાન્ડર ઝવેરેવે સામે સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 2008 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો હતો.
જોકોવિચે વિમ્બલ્ડનનો બદલો લીધો
ફાઈનલને લઈને જોકોવિચનો આત્મવિશ્વાસ ઘણો વધારે હતો. તેણે પહેલેથી જ જીતની આશા વ્યક્ત કરી હતી. જોકોવિચે કહ્યું હતું કે, ‘હું ફાઈનલ માટે વધુ આત્મવિશ્વાસ અનુભવી રહ્યો છું’ આ પહેલા વિમ્બલ્ડનમાં અલકારાઝે જોકોવિચને હરાવ્યો હતો, તો હવે તેણે બદલો પણ લીધો છે. વિમ્બલ્ડન ટાઈટલ મેચ પણ જોકોવિચ અને અલ્કારાઝ (Carlos Alcaraz) વચ્ચે રમાઈ હતી, જેમાં સર્બિયન ખેલાડીને હારનો સામનો કરવો પડ્યો હતો. અલ્કારાઝે આ વર્ષે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ પણ જીત્યો હતો.
આ પણ વાંચો : પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય બોક્સર સાથે થઈ ચીટિંગ! જાણીજોઈને હરાવ્યાનો આરોપ