Get The App

પેરિસ ઓલિમ્પિકઃ ભજન-દીપિકા તીરંદાજીમાં મેડલ ચૂક્યા, ભારતને 36 વર્ષમાં એક પણ સફળતા નથી મળી

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
પેરિસ ઓલિમ્પિકઃ ભજન-દીપિકા તીરંદાજીમાં મેડલ ચૂક્યા, ભારતને 36 વર્ષમાં એક પણ સફળતા નથી મળી 1 - image
Image Twitter 

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય તીરંદાજોના મેડલ જીતવાની આશા હતી, પરંતુ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. 3 ઓગસ્ટ (શનિવાર)ના રોજ દીપિકા કુમારી અને ભજન કૌર પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ બંને તીરંદાજો મેડલ રાઉન્ડમાં પણ પહોંચી શક્યા ન હતા. ભજન કૌર મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધાની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયન તીરંદાજ ડિયાન્ડા ચોઇરુનિસા સામે હારી ગઈ હતી. પાંચ સેટ બાદ સ્કોર 5-5ની બરાબર હતો. ત્યારે ભજન કૌર અને ડિયાન્ડા ચોઇરુનિસા વચ્ચે શૂટ ઓફ હતો. શૂટ ઓફમાં ડિયાન્ડાએ 9  નો સ્કોર કર્યો હતો, જ્યારે ભજન 8 નો સ્કોર જ બનાવી શકી હતી. 

તો આ બાજુ દીપિકા કુમારીને ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાની નામ સુ-હ્યોન સામે 6-4થી હરાવી દીધી હતી. દીપિકાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીની મિશેલ ક્રોપેનને 6-4થી હરાવીને દરેક ભારતીયોમાં મેડલની આશા જગાવી હતી, પરંતુ છેલ્લી-8ની મેચમાં કોરિયા સામે તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન ન આપી શકી. દીપિકાની હાર સાથે તીરંદાજી ઈવેન્ટમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો. આ પહેલા પુરુષોની વ્યક્તિગત, પુરૂષ ટીમ, મહિલા ટીમ અને મિશ્ર ટીમમાં ભારતીય પડકારોની પુર્ણાહુતિ થઈ ગઈ હતી.

36 વર્ષથી તીરંદાજીમાં મેડલ મેળવવાનો ઈન્તજાર 

ભારત તીરંદાજીમાં માત્ર સિડની ઓલિમ્પિક 2000માં જ ક્વોલિફાય થઈ શક્યું ન હતું. આ સિવાય તમામ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો છે. 1988 માં ઓલિમ્પિકમાં તીરંદાજીનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારથી ભારતીય તીરંદાજો લગભગ દરેક ઓલિમ્પિક રમતોમાં ભાગ લેતા રહ્યા છે. પરંતુ અત્યાર સુધી પોડિયમ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે. એટલે, ભારત 36 વર્ષથી ઓલિમ્પિકની તીરંદાજી સ્પર્ધાઓમાં એક પણ મેડલ જીતી શક્યું નથી.

આ ઉપરાંત લંડન ઓલિમ્પિક 2012 પછી આ પહેલીવાર બન્યું હતું, જ્યારે ભારતના 6 ખેલાડીઓએ રમતગમતના સૌથી મોટા મહાકુંભમાં ભાગ લીધો હતો. ધીરજ બોમ્માદેવરા, તરુણદીપ રાય, પ્રવીણ જાધવ, ભજન કૌર, દીપિકા કુમારી, અંકિતા ભકત પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહ્યા હતા. 

અત્રે એક વાત નોંધવા જેવી છે કે, ભારતીય પુરૂષ અને મહિલા ટીમોએ રેન્કિંગના આધારે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું, જેના કારણે આ વખતે ભારતીય તીરંદાજો 5 ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા હતા. અનુભવી તરુણદીપ રાય અને દીપિકા કુમારી માટે આ ચોથો ઓલિમ્પિક હતો.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના તમામ પુરૂષ તીરંદાજો ટોપ 30માં સ્થાન મેળવી શક્યા નહોતા. ભારતની એકમાત્ર મહિલા તીરંદાજ દીપિકાએ 9મું સ્થાન મેળવ્યું હતું. ત્યારપછી ભારતને પોતપોતાની ક્વાર્ટર ફાઈનલ મેચોમાં ટોચના ક્રમાંકિત કોરિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ભારતીય તીરંદાજોનું પ્રદર્શનમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ મેડલ બાબતે જોવે તેટલું રહ્યુ નહીં. 

ધીરજ-ભકટે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ...

તીરંદાજી સ્પર્ધામાં ભારત તરફથી અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરાએ ખૂબ પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. અંકિતા-ધીરજ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં ચૂકી ગયા. બ્રોન્ઝ મેડલ મેચમાં અંકિતા-ધીરજને યુએસએના બ્રેડી એલિસન અને કેસી કૌફોલ્ડે 2-6થી પરાજય આપ્યો હતો. અમેરિકન જોડીએ પ્રથમ બે સેટ જીતી લીધા હતા. આ પછી ભારતીય જોડીએ વાપસી કરીને ત્રીજો સેટ જીત્યો હતો, પરંતુ ચોથા સેટમાં ફરી એકવાર યુએસએ જીત મેળવી હતી. ભારતીય જોડી આ પહેલા સેમિફાઈનલમાં કોરિયા સામે 2-6થી હારી ગઈ હતી. જોકે, એક વાત મહત્ત્વની છે કે, મેડલ ચુકી જવા છતાં અંકિતા-ધીરજે ઈતિહાસ રચ્યો હતો. પહેલીવાર ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિકમાં કોઈપણ તીરંદાજી ઈવેન્ટમાં સેમિફાઈનલમાં પહોંચ્યા હતા.


Google NewsGoogle News