પેરિસ ઓલિમ્પિકમાં બીજા દિવસે પીવી સિંધુ, રમિતા જિંદાલ અને બલરાજ પંવાર છવાયા
Paris Olympics 2024: ભારતે પેરિસ ઓલિમ્પિકમાં બીજા દિવસની સારી શરૂઆત કરી હતી. બીજા દિવસની રમતની પ્રથમ મોટી મેચમાં મહિલા સિંગલ્સ બેડમિન્ટનમાં જીત સાથે શરૂઆત કરી હતી. ભારતીય ચાહકોની નજર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની મેચ પર ટકેલી હતી. સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર આ ભારતીય સુપરસ્ટાર ખેલાડી આ વખતે ત્રીજો મેડલ જીતીને ઈતિહાસ રચવાનો ઈરાદો ધરાવે છે.
પ્રથમ મેચમાં સિંધુની આસાન જીત
ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ મહિલા સિંગલ્સના ગ્રૂપ-Mમાં માલદીવની ફાતિમથ નબાહ અબ્દુલ રઝાક સામે જીત સાથે તેના ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરી હતી. સિંધુએ પહેલી ગેમ 21-9થી જીતી હતી જ્યારે બીજી ગેમ 21-6થી જીતી હતી. સિંધુએ આ મેચ માત્ર 27 મિનિટમાં પૂરી કરી દીધી હતી.
રમિતા જિંદાલ ગોલ્ડ મેડલ મેચમાં
ભારતીય શૂટર રમિતા જિંદાલ પણ મનુ ભાકેર બાદ શૂટિંગની ફાઇનલમાં પહોંચી છે. રમિતા 10 મીટર એર રાઇફલની ક્વોલિફાઈંગ ઇવેન્ટમાં 5માં ક્રમે રહી હતી. તેનો સ્કોર 631.5 રહ્યો હતો. આ સાથે એર રાઇફલ શૂટિંગ ઇવેન્ટમાં છેલ્લા 20 વર્ષમાં ફાઇનલમાં પહોંચનાર તે પ્રથમ શૂટર બની હતી. અગાઉ 2004માં સુમા શીરૂર એથેન્સ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી હતી.
આ સિવાય અમદાવાદની ઇલાવેનિલ વલાવરીન ટોપ-8માં ક્વોલિફાય કરી શકી નહોતી અને 10માં ક્રમે રહી હતી. તેનો સ્કોર 630.7 રહ્યો હતો.
રોવિંગમાં પણ એક એથ્લિટે કાઠું કાઢ્યું
ભારત માટે ખુશીની વાત એ છે કે આ વખતે રોવિંગમાં પણ એક એથ્લિટે કાઠું કાઢ્યું છે.
હરિયાણાનો બલરાજ પંવાર ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પહોંચી ગયો છે. રોઇંગ સ્પર્ધામાં, બલરાજે રેક ચેન્જ સ્પર્ધામાં ક્વોલિફાય કર્યું છે. બલરાજે શનિવારે પેરિસમાં આયોજિત છ દેશોની રોઇંગ સ્પર્ધામાં ચોથું સ્થાન મેળવ્યું હતું. બલરાજ પાસે આગળ માટે ક્વોલિફાય થવાની છેલ્લી તક હતી. બલરાજે રેપેચેજ રાઉન્ડમાં બીજું સ્થાન મેળવીને ક્વોલિફાય કર્યું છે. બલરાજ ભારતીય સેનાના સૈનિક છે.
બીજા દિવસે બોક્સર નિખત ઝરીન પણ બીજા દિગ્ગજ એથ્લિટસ પણ મેદાનમાં ભારત માટે મેડલ જીતવા ઉતરશે.