Paris Olympicsનું કાઉન્ટડાઉન શરૂ, ઓપનિંગ સેરેમનીમાં લેડી ગાગા અને સેલિન ડીયોન પરફોર્મન્સ આપશે
Paris Olympics 2024 Opening Ceremony Lady Gaga: પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની આજે 26 જુલાઈ, શુક્રવારના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે યોજાશે. આ ખેલ મહાકુંભમાં ઘણી રમતો બે દિવસ અગાઉથી શરૂ થઈ ગઈ છે. ભારતે પણ 25મી જુલાઈથી અભિયાન શરૂ કર્યું હતું. ભારતે પોતાના અભિયાનની શરૂઆત તીરંદાજી(Archery)થી કરી હતી. તીરંદાજી, હોકી સહિતની કેટલીક ઓલિમ્પિક રમતો માટે ભારતને પાવરહાઉસ માનવામાં આવે છે.
ફ્રાન્સમાં પેરિસમાં આયોજિત ઓલિમ્પિક, 2024નો ઉદ્ઘાટન સમારોહ ઈતિહાસના સૌથી મોટા ઉદ્ઘાટન સમારોહમાંથી એક હશે. આ સેરેમનીમાં ઘણા નામચીન સ્ટાર્સ જોવા મળી શકે છે, જેમાં લેડી ગાગાનું પણ નામ સામેલ છે.
મળતી માહિતી પ્રમાણે, સેલિન ડીયોન (Celine Dion) અને લેડી ગાગા પેરિસમાં જોવા મળી છે તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે કે, પ્રખ્યાત સિંગર અને એક્ટર લેડી ગાગા (Lady Gaga) ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરતી જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, લેડી ગાગા સિવાય ફેમસ સિંગર સેલિન ડીયોનનું પરફોર્મન્સ પણ જોવા મળી શકે છે. ઈવેન્ટમાં પરફોર્મ કરનારા મોટાભાગના સ્ટાર્સની યાદી જાહેર કરવામાં આવી નથી.
ઉદ્ઘાટન સમારોહ ક્યાં યોજાશે?
આ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કોઈ સ્ટેડિયમમાં નહીં પણ સીન નદી પર કરવામાં આવ્યું છે. ખેલાડીઓ મોટાભાગે પોતાના દેશનો ધ્વજ લઈને મેદાન પર ચાલે છે. અગાઉ ઓલિમ્પિકમાં ઉદ્ઘાટન સમારોહ સ્ટેડિયમની અંદર યોજાયો હતો, પરંતુ આ પ્રથમ વખત હશે કે આ પ્રકારનો સમારોહ નદીમાં યોજાશે. જેમાં સીન નદીના 6 કિમીના વિસ્તાર સાથે ઓપન-એર પરેડ કરવામાં આવશે. આ પરેડ ઑસ્ટરલિટ્ઝ બ્રિજથી શરૂ થઇને આઇકોનિક એફિલ ટાવરની સામે ટ્રોકાડેરો પર સમાપ્ત થશે. આ ઉદઘાટન સમારોહ લગભગ 3 કલાક ચાલે તેવી શક્યતા છે.
સેરેમની કેટલા વાગે, ક્યાં જોઈ શકાશે ?
લોકલ ટાઇમિંગ અનુસાર, ઉદ્ઘાટન સમારોહ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ભારતીય સમય અનુસાર આ ઓપનિંગ સેરેમની રાત્રે 11 વાગ્યે શરૂ થશે. પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીનું ભારતમાં ટેલિવિઝન પર સ્પોર્ટ્સ 18 પર લાઈવ ટેલિકાસ્ટિંગ થશે. આ સિવાય ઓપનિંગ સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema પર પણ થશે. દર્શકો અહીં ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગ નિહાળી શકશે.