નીરજની સિલ્વર સિધ્ધી, હોકીમાં બાવન વર્ષે સતત બીજો બ્રોન્ઝ
- કુસ્તી સંઘના 'દંગલ'નો ભોગ બનેલી હતાશ વિનેશ ફોગાટે ભગ્ન હૃદયે નિવૃત્તિ જાહેર કરી
- નીરજ ચોપરા ઓલિમ્પિકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર ભારતના ઇતિહાસનો પ્રથમ એથ્લીટ: 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ
- ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં સ્પેનને ૨-૧થી હરાવ્યું: ગોલકિપર શ્રીજેશની શાન સાથે નિવૃત્તિ
- ઓલિમ્પિકમાં ભારતને માટે ડબલ બોનાન્ઝા
પેરિસ : ભાલા ફેંકના ધુરંધર એથ્લીટ નીરજ ચોપરાએ ઐતિહાસિક સિધ્ધી મેળવતા સતત બે ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે. જો કે, ચાહકો તેની પાસેથી ગોલ્ડ મેડલની આશા રાખતા હતા પણ તેણે બીજા ક્રમે રહીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેનો થ્રો ૮૯.૪૫ મીટર રહ્યો હતો. આ ઓલિમ્પિકમાં ભારતને ચાર બ્રોન્ઝ અને એકમાત્ર સિલ્વર મેડલ નીરજ ચોપડાએ જીતાડયો છે. ૨૦૨૧માં યોજાયેલી ટોકિયો ઓલિમ્પિકમાં પણ નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ સર્જતા ૯૨.૯૭ મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જ્યારે બ્રોન્ઝ ગ્રેનેડાના પીટર્સે ૮૮.૫૪ મીટરના થ્રો સાથે જીત્યો હતો.
ભારત માટે આજે બેવડી ખુશીનો દિવસ હતો કેમ કે પુરૂષ વિભાગની હોકીનો ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત આ સાથે સતત બીજી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. સ્પેનને ભારતે ૨-૧થી પરાજય આપ્યો હતો. ભારતે આ અગાઉ ૧૯૬૮ અને ૧૯૭૨માં સતત બે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો હતો આમ બાવન વર્ષ પછી આ સફળતા મળી છે.
દરમ્યાન વિનેશ ફોગાટને કદાચ સિલ્વર મેડલ મળે તેવી આશા જીવંત છે કેમ કે તેણે આર્બિટ્રેશન ઓફ કોર્ટ (ઓલિમ્પિક)માં તેને સિલ્વર મેડલની સંયુક્ત વિજેતા કરવામાં આવે તેવી માંગણી સાથે અરજી કરી છે જે કોર્ટે સુનાવણી માટે સ્વીકારી છે. તેથી આશા બંધાઈ છે. આવતીકાલે ચુકાદો આવે તેવી સંભાવના છે.
વિનેશ ફોગાટે આ દરમિયાન તેની માતાને ભારે હતાશા સાથે સંબોધીને તેની નિવૃત્તિ જાહેર કરી છે, જેમાં તેણે કુસ્તીસંઘ અને સિસ્ટમ સામે લડીને તે બહુ થાકી ગઈ છે તેવી વેદના વ્યક્ત કરી છે અને લખ્યું છે કે તારા સ્વપ્નને હું સાકાર કરવામાં સફળ નથી થઈ તે બદલ મને માફ કરજે. વિનેશ ફોગાટને સિલ્વર મેડલની સંયુક્ત વિજેતા જાહેર કરાય તેવી આશા સાથે રમતના ચાહકોએ હોકી અને પછી ભાલા ફેંકની સફળતાની ઉજવણી મધરાત પછી પણ જારી રાખી હતી.
નિરજ ચોપરાએ ક્વોલિફીકેશન રાઉન્ડમાં ૬ ઓગસ્ટે ૮૯.૩૪ મીટરનો થ્રો ફેંક્યો હતો જે આ સીઝનનો તેનો શ્રેષ્ઠ થ્રો હતો. જેના લીધે એવી આશા બંધાઈ હતી કે તે ગોલ્ડ મેડલ જીતાડશે.
જો કે આ વખતે ટોકિયો ઓલિમ્પિક કરતા વધુ વિકટ પડકાર હતો કેમ કે ટોકિયો ઓલિમ્પિકમાં નિરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતવા ૮૭.૫૮ મીટરનો જ થ્રો ફેંક્યો હતો. જ્યારે આ વખતે એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) ૮૮.૬૩ મીટરના થ્રો સાથે, વેબર (જર્મની) ૮૭.૭૬ મીટરના અને પાકિસ્તાનના અરશદ નદીમ ૮૬.૫૯ મીટરના થ્રો સાથે ક્વોલીફાય થઇને ઉતરેલા.
હોકીની સિધ્ધી પર આવીએ તો ભારતે હોકીની બ્રોન્ઝ મેડલ માટેની જે મેચમાં યાદગાર વિજય મેળવ્યો તેમાં સ્પેનની ટીમ ૧-૦થી આગળ હતી છતા ખેલાડીઓએ જુસ્સો જાળવી રાખ્યો હતો તે પછી ભારત તરફથી આ ઓલિમ્પિકના સ્ટાર કહી શકાય તેવા કેપ્ટન હરમનપ્રીત સિંઘે બે ગોલ ફટકારતા ભારત ૨-૧થી જીત્યુ હતું. ભારત ટોકિયો ઓલિમ્પિકમાં ૪૧ વર્ષ પછી મેડલ (ર્બોન્ઝ) જીતવામાં સફળ થયું હતું.
જો કે તે પછીની ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતતા ભારતે વધુ ૧ મેડલ માટે ઈન્તેજાર કરવો જ નથી પડયો.
સ્પેન સામે પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમ ગોલ નહોતી કરી શકી. બીજા ક્વાર્ટરમાં સ્પેનના માર્ક મિસલ્સે પેનલ્ટી સ્ટ્રોકથી ૧૮મી મીનીટમાં ગોલ કર્યો હતો. આ જ ક્વાર્ટરમાં હરમનપ્રીતે બરાબરી અપાવી (૩૦મી મીનીટમાં) હતી. આ તેનો પેરિસ ઓલિમ્પિકનો નવમો ગોલ હતો. ત્રીજા ક્વાર્ટરમાં હરમનપ્રીતે ભારતને સરસાઈ અપાવતા તેનો ૧૦મો ગોલ ફટકાર્યો હતો. ૩૩મી મીનીટમાં આ ગોલ થયો હતો.
ભારતના ગોલકિપર શ્રીજેશનું નામ કાયમ ટોકિયો અને પેરિસ ઓલિમ્પિક જોડે જોડાયેલું રહેશે.
ભારતના ગોલ કિપર શ્રીજેશે ઓલિમ્પિક પહેલા જ કહ્યું હતું કે તે આ પછી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ લેશે અને યાદગાર રીતે પ્રદાન કરતા વિદાય લેશે.
શ્રીજેશે તેના શબ્દો પ્રમાણે જ આજની બ્રોન્ઝ મેડલ મેચમાં તો ખરા જ પણ અગાઉની મેચોમાં પણ કેટલાક તો અશક્ય લાગતા હરિફ ટીમના ગોલ પરિવર્તિત થાય તેવા શોટ અભેદ્ય દિવાલ બનીને અટકાવ્યા હતા. બ્રોન્ઝ મેડલની મેચમાં તેણે પાંચ જેટલા ગોલ બચાવ્યા હતા. તેમાં પણ કોઈપણ હિસાબે બરાબરી કરવા મરણીયા બનેલ સ્પેને છેલ્લી મીનીટોમાં તો ગોલ પોસ્ટ પર બે જેટલા બચાવવા અઘરા ફટકારાયેલ શોટ અટકાવ્યા હતા અને તે અગાઉ પન્લ્ટી કોર્નર નિષ્ફળ બનાવ્યા હતા.
શ્રીજેશ ટોકિયો ઓલિમ્પિકમાં પણ ભારતનો ગોલકિપર હતો. ભારતે તેના ઇતિહાસમાં આ સાથે હોકીમાં ૧૩મો મેડલ જીત્યો છે જેમાં આઠગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ છે.
પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાનું પરિણામ
ક્રમ |
એથ્લીટ(દેશ) |
બેસ્ટ થ્રો |
૧ |
અર્ષદ નદીમ(પાક.) |
૯૨.૯૭ મી. |
૨ |
નીરજ
ચોપરા(ભારત) |
૮૯.૪૫ મી. |
૩ |
એ. પીટર્સ(ગ્રેનાડા) |
૮૮.૫૪ મી. |
૪ |
જાકુબ
વાડ્લેજ્ચ(ચેક.) |
૮૮.૫૦ મી. |
૫ |
જુલીયસ યેગો(કેન્યા) |
૮૭.૭૨ મી. |
૬ |
જે.વેબ્બર (જર્મની) |
૮૭.૪૦ મી. |
૭ |
કે.વોલકોટ્ટ(ટ્રીનીદાદ) |
૮૬.૧૬ મી. |
૮ |
એટેલાટાલો(ફિનલેન્ડ) |
૮૪.૫૮ મી. |