Paris Olympics : એક વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે નીરજ ચોપડા, તબીબોની સલાહ બાદ કરાવી શકે છે સર્જરી
Neeraj Chopra, Hernia Surgery : ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં નીરજે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે આ વખતે પાકિસ્તાની ખેલાડી નદીમ ગોલ્ડ મેડલ લઈ ગયો છે. એવામાં નીરજ ચોપડાની ઈજાને લઈને મોટા સમાચાર આવ્યા છે.
હર્નિયાથી પરેશાન છે નીરજ
નીરક ચોપડા હર્નિયાથી છૂટકારો મેળવવા માટે સર્જરી કરાવશે. ગોલ્ડ મેડલ ચૂક્યા બાદ જ નીરજે ખુલાસો કર્યો હતો કે તે હર્નિયાથી પરેશાન છે. એક ખાનગી મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે આ ઈજાનો ઉલ્લેખ કર્યો હતો. નીરજે કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી આ સમસ્યાથી તે પરેશાન છે.
સલાહ બાદ કરાવશે સર્જરી
નીરજ જ્યારે ભાલો ફેંકવા માટે દોડે છે ત્યારે ગ્રોઈનના ભાગમાં જોર પડે છે. જેના કારણે દર્દ વધે છે. એવામાં હવે નીરજે જણાવ્યું છે કે તે તબીબો પાસે સલાહ લીધા બાદ સર્જરી કરાવવાનો નિર્ણય લેશે.
કોચિંગ સ્ટાફ બદલાશે
બીજી તરફ પેરિસ ઓલિમ્પિક બાદ નીરજ ચોપડાના કોચિંગ સ્ટાફમાં પણ મોટો બદલાવ થવાની તૈયારી છે. વર્તમાન કોચ ક્લાઉસ હવે નીરજની સાથે નહીં રહે. નીરજ હવે બેક રૂમ સ્ટાફને બદલવા માંગે છે. ક્લાઉસ 2018થી જ નીરજની સાથે હતા.