Olympics 2024: ભારતની મહિલા તીરંદાજી ટીમને સફળતા, મેડલ સુધીનો માર્ગ મોકળો
PARIS OLYMPICS 2024: પેરિસ ઑલ્મપિક માટે 117 ઍથ્લીટ્સ સાથે ભારતની ટીમ પેરિસ પહોંચી ગઈ છે. ઉદ્ઘાટન પૂર્વે જ કેટલીક રમતોની શરુઆત થઈ ગઈ છે. કેટલીક ઑલ્મપિક રમતો માટે ભારતને પાવરહાઉસ માનવામાં આવે છે. આ રમતોમાં તીરંદાજીનો પણ સમાવેશ થાય છે. જેમાં ભારતને પ્રથમ સફળતા મળી ચૂકી છે.
શું છે ગુડ ન્યૂઝ?
ભારતીય ખેલ જગત માટે ખુશીની વાત છે કે તીરંદાજીમાં ભારતીય મહિલા ટીમને ક્વાર્ટર ફાઇનલમાં સીધો જ પ્રવેશ મળી ગયો છે.
કોણ છે આ ટીમના સભ્યો?
ભારતની મહિલા તીરંદાજી ટીમમાં દિપીકા કુમારી, ભજન કૌર, અંકિતા ભક્ત જેવી ઍથ્લીટ્સનો સમાવેશ થાય છે. તેમણે 1983 પૉઇન્ટ સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું અને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. સાઉથ કોરિયન ટીમે ટોપનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને તેઓના 2046 પૉઇન્ટ્સ રહ્યા હતા.
મહિલા તીરંદાજીના પ્રથમ સેટમાં ભારતીય તીરંદાજ અંકિતા ભક્તનો સ્કોર 54 પૉઇન્ટ રહ્યો હતો અને તે 22માં સ્થાને આવી હતી. ત્યાર બાદ દિપીકા કુમારીએ 51 પૉઇન્ટ સ્કોર કર્યા હતા અને તે 51માં ક્રમે આવી હતી. ભજન કૌરે 51 પૉઇન્ટ સ્કોર કરીને 52મું સ્થાન મેળવ્યુંં હતું.
બીજા સેટમાં અંકિતા ભક્ત અને ભજન કૌરનો સ્કોર વધારે સારો રહ્યો હતો અને તેઓ અનુક્રમે 7માં અને 41માં ક્રમે આવ્યા હતા. દિપીકા 36માં ક્રમે આવી હતી. તમામ 12 સેટ બાદ દિપીકા 23માં, અંકિતા 11માં અને ભજન કૌર 22માં ક્રમે આવી હતી અને ભારતની મહિલા તીરંદાજી ટીમ 4થા ક્રમે આવી હતી. જેના કારણે ટીમને સીધી જ ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી મળી ગઈ હતી.