હોકીમાં 52 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન, PMએ ફોન કરીને કહ્યું- 'સરપંચ સાહેબ...'
Hockey Bronze Medal: ભારત અને સ્પેન (IND vs SPA) વચ્ચે આજે Paris Olympics માં બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાઈ હતી. જેમાં ભારતનો શાનદાર 2-1થી વિજય થયો હતો. આ ભવ્ય વિજય સાથે ભારતે 52 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન કરી પોતાના રેકોર્ડની બરાબરી કરી છે. 52 વર્ષ પહેલા ભારત હોકીમાં 1968 અને 1972માં સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યું હતું. આ વખતે ફરીથી ભારત પાસે આ રેકોર્ડની બરાબરી કરવાની તક હતી. કારણ કે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારત બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. એ સમયે ભારતે બ્રિટનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે સ્પેનને હરાવી ભારત સતત બીજી વાર બ્રોન્ઝ મેડલ જીત્યું છે.
PM મોદીએ ફોન કરીને પાઠવ્યા અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમના ખેલાડીઓને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ હરમનપ્રીતને 'સરપંચ સાહેબ' કહીને સંબોધન કરતાં સૌ ખેલાડીઓ હસી પડ્યા હતા. PMએ શ્રીજેશ સાથે પણ વાત કરી હતી અને વખાણ કર્યા હતા. PMએ શ્રીજેશને ટકોર કરી હતી કે તમે સંન્યાસ જાહેર કર્યું છે પણ તમારે નવી ટીમ તૈયાર કરવી પડશે.
#WATCH | PM Narendra Modi spoke to the Indian Hockey team and congratulated them on the #Bronze medal victory. #OlympicGames #Paris2024 pic.twitter.com/OuuaEHVj0y
— ANI (@ANI) August 8, 2024
હોકીમાં ભારતની સિદ્ધિઓ
ઓલિમ્પિક ઇતિહાસમાં ભારતને સૌથી વધુ સફળતા હોકીમાં મળી છે. હોકીમાં ભારતનો આ ચોથો બ્રોન્ઝ મેડલ છે. ઉપરાંત ભારતે હોકીમાં સૌથી વધુ આઠ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પણ જીત્યા છે. ભારતે 1928થી 1956 સુધી સતત છ ગોલ્ડ મેડલ જીત્યા હતા. 1960થી 1972 સુધી ભારતે હોકીમાં સતત ચાર મેડલ જીત્યા હતા. પછી 1976માં ભારત મેડલ જીતવામાં ચૂકી ગયો હતો. જો કે, 1980માં ભારતે ગોલ્ડ મેડલ જીતી ફરી વાપસી કરી હતી.
આ પણ વાંચોઃ PR Sreejesh: ભારતીય હોકી ટીમની ધ વોલ! ટીમને બીજો બ્રોન્ઝ અપાવીને લીધી વિદાય
1972 બાદ પહેલી વાર ભારત સતત 2 મેડલ જીત્યો
1980 બાદ ઓલિમ્પિકમાં હોકીમાં ભારતીય ટીમના મેડલ જીતવા પર 40 વર્ષ સુધી દુષ્કાળ રહ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતીય ટીમ આ દુષ્કાળનો અંત લાવી હતી. હવે હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી સતત બીજી વાર મેડલ જીતી 52 વર્ષ બાદ ઇતિહાસ રચ્યો છે.
ઓલિમ્પિકમાં ભારતીય હોકીનો સુવર્ણ ઇતિહાસ
ભારત માટે હોકીના સુવર્ણ યુગની શરૂઆત 1928ના એમ્સટર્ડમ ઓલિમ્પિકથી થઇ હતી. ભારતીય પુરુષ હોકી ટીમના દિગ્ગજ ખેલાડી ધ્યાનચંદના નેતૃત્વમાં ભારતીય પુરૂષ હોકી ટીમે 29 ગોલ કર્યા અને એક પણ ગોલ ગુમાવ્યા વિના પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી, ટીમે 1932 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો, ત્યારપછી ભારતે 1936 બર્લિન ઓલિમ્પિકમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીતીને ગોલ્ડન હેટ્રિક નોંધાવી હતી. બીજા વિશ્વયુદ્ધને કારણે 1940 અને 1944માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને ત્યારબાદ ભારતે 1948માં લંડન ઓલિમ્પિકમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે તેની પ્રથમ સમર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. ભારતે અહીં પણ પોતાની છાપ છોડી અને હોકીમાં સતત ચોથો ગોલ્ડ જીત્યો હતો. આ પછી 1952 અને 1956માં પણ ટીમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ રીતે ભારતે સતત છ ઓલિમ્પિકમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.