ભારતીય ટેબલ ટેનિસ ટીમોએ રચ્યો ઈતિહાસ, હવે પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ લેશે
બુસાનની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપના સમાપન થયા બાદ વિશ્વ રેન્કિંગ જાહેર
રેન્કિંગમાં ભારતની મહિલા ટીમ 13માં ક્રમાંકે, પુરુષોની ટીમ 15માં ક્રમાંકે
World Tennis Teams Rankings : ભારતીય પુરૂષ અને મહિલા ટેબલ ટેનિસની ટીમે સોમવારે વિશ્વ રેન્કિંગના આધારે પ્રથમ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરીને ઈતિહાસ રચી દીધો છે. ગત મહિને બુસાનમાં પેરિસ ઓલિમ્પિક (Paris Olympics 2024) માટેની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ રમાઈ હતી, જે વિશ્વ રેન્કિંગ માટેની અંતિમ ટુર્નામેન્ટ હતી. ચેમ્પિયનશિપનું સમાપન પછી ટીમ ઈવેન્ટ્સમાં સાત સ્થાન બાકી હતા, જેના માટે ટીમોની પસંદગી તેમના રેન્કિંગના આધારે કરાઈ હતી.
મહિલા ટીમ વર્લ્ડ રેન્કિંગમાં 13માં ક્રમાંકે
IITFએ કહ્યું કે, ‘તાજેતરની વર્લ્ડ ટીમ રેન્કિંગમાં ટોચની ક્રમાંકિત ટીમો જેઓ ક્વોલિફાય ન થઈ શક્યા તેમણે પેરિસ 2024 માટે તેમની ટિકિટ મેળવી લીધી છે.’ મહિલાઓની સ્પર્ધામાં ભારતે 13મો ક્રમાંક મેળવ્યો છે. તેણે પોલેન્ડ (12), સ્વીડન (15) અને થાઈલેન્ડ સાથે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. પુરુષોની ટીમ સ્પર્ધામાં ક્રોએશિયા (12), ભારત (15) અને સ્લોવેનિયા (11)એ પણ ઓલિમ્પિકની એન્ટ્રીની ટિકિટ મેળવી લીધી છે.
શરત કમલે અભિનંદન પાઠવ્યા
ભારતના અનુભવી ખેલાડી શરત કમલે ટ્વિટ કર્યુંને ભારતીય પુરુષ અને મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, ‘આખરે ભારતે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું. હું લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. ઓલિમ્પિકમાં પાંચ વખત રમવા છતાં આ સત્ય ખૂબ જ વિશેષ છે. ઐતિહાસિક ક્વોટા હાંસલ કરના મહિલા ટીમને પણ અભિનંદન.’