ખેલાડીઓ પર હુમલા, જાસૂસી અને ખામીયુક્ત આયોજનઃ આખરે પેરિસ ઓલિમ્પિકમાં વિવાદોના કારણો શું?

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
olympic 2024


2024 Olympics : ‘સારા કામમાં સો વિઘ્ન’ એ ઉક્તિ હાલમાં ફ્રાન્સને સૌથી વધારે લાગુ પડી રહી છે. પેરિસમાં ચાલી રહેલો ઓલિમ્પિક રમતોત્સવ કોણ જાણે કયા મૂહૂર્તમાં શરૂ થયો હતો કે એને લગતા વિવાદો શાંત થવાનું નામ જ નથી લેતા. ચાલો, એક નજર નાંખીએ પેરિસ ઓલિમ્પિક સંબંધિત સિલસિલાબંધ વિવાદો પર.

ઉદ્ઘાટન સમારોહમાં કરાયું ઈસુનું અપમાન

એકદમ લેટેસ્ટ વિવાદથી શરૂઆત કરીએ તો, ઉદ્ઘાટન સમારોહમાં ઈસુ ખ્રિસ્તનું અપમાન કરાયાનો વિવાદ ચગ્યો છે. રંગારંગ સમારોહમાં ઘણા મનોરંજક પરફોર્મન્સ થયા, એમાં એક હતું ‘ધ લાસ્ટ સપર પેરોડી’. ઈટલીના મહાન ચિત્રકાર લિઓનાર્દો દા વિન્સી દ્વારા ચિત્રિત વિખ્યાત કૃતિ 'ધ લાસ્ટ સપર'માં ઈસુ અને એમના બાર શિષ્યો એક ટેબલ પર બેસીને ભોજન લેતા બતાવાયા છે. એ ચિત્રની મજાક ઉડાવતું પરફોર્મન્સ ઉદ્ઘાટન સમારોહમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઈસુ ખ્રિસ્તને મહિલા તરીકે અને એમના શિષ્યોને ‘ડ્રેગ ક્વીન્સ’ તરીકે દર્શાવાયા હતા. [ડ્રેગ ક્વીન એટલે સ્ત્રીવેશે તૈયાર થયેલો (મોટેભાગે સમલૈંગિક) પુરુષ.] 

એ જ પરફોર્મન્સમાં આખા શરીરે વાદળી રંગ ચોપડેલો એક માણસ દેખાડવામાં આવ્યો હતો. એનું શરીર માત્ર ફૂલો અને ફળોથી ઢંકાયેલું હતું. એટલે કે એને 'ધ લાસ્ટ સપર'ની વાનગી તરીકે પીરસવામાં આવ્યો હતો.

આ પ્રકારની મજાક જોઈને ખ્રિસ્તીઓની લાગણી દુભાઈ છે અને દુનિયાભરના ખ્રિસ્તીઓએ સોશિયલ મીડિયા પર ઓલિમ્પિકના આયોજકોની ટીકા કરી છે. કોઈકે એને ઈસુનું અપમાન ગણાવીને નિંદનીય કૃત્ય કહ્યું છે તો કોઈકે એને ખ્રિસ્તી ધર્મમાં આસ્થા ધરાવનાર પ્રત્યેક માણસનું અપમાન ગણાવ્યું છે. કોઈકે તો એક કદમ આગળ જઈને એમ પણ લખી દીધું કે આ રીતે ઈસ્લામની મજાક ઉડાવી જુઓ તો ખબર પડે!

વિરોધના વંટોળને શમાવવા માટે ઓલિમ્પિકના આયોજકોએ એમ કહ્યું હતું કે વિવિધ સમુદાયો અને દેશો વચ્ચે થઈ રહેલા લડાઈ-ઝઘડા-હિંસાની અર્થહિનતા દર્શાવીને એના વિશે જાગૃતિ લાવવા માટે એ રમૂજ કરવામાં આવી હતી. કેટલા સ્વીકારશે આવી દલીલ?

ઉદ્ઘાટન સમારોહે ઊભા કરેલા બીજા વિવાદ

સમારોહની બીજી એક્ટમાં બે યુવાનો અને એક યુવતીને એકમેકને પ્રેમ કરતાં દેખાડાયા હતા. એય પાછું વિદ્યાના મંદિર એવા રાષ્ટ્રીય પુસ્તકાલયમાં! આયોજકોની આ હરકત પણ લોકોને પસંદ નથી આવી. લોકો એવા કટાક્ષ કરી રહ્યા છે કે, ‘ઉદ્ઘાટન સમારોહ જેવી ઇવેન્ટમાં આવું તો મહાન ફ્રેન્ચ પ્રજા જ દેખાડી શકે.’ ખુદ ફ્રાન્સના નાગરિકો પણ પૂછી રહ્યા છે કે, આપણે કેટલા મોડર્ન છીએ એ સાબિત કરવા આવું દેખાડવું જરૂરી હતું?

સમારંભમાં ‘હેડલેસ’ રાણી મેરી એન્ટોનેટ પણ સામેલ હતી, જેનો ફ્રેન્ચ ક્રાંતિ વખતે શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. એ જુગુપ્સાપ્રેરક ઘટના દર્શાવવાની શું જરૂર હતી? એવા સવાલ સોશિયલ મીડિયા પર કરાઈ રહ્યા છે. 

ડ્રોન વડે જાસૂસી

2020 માં ટોકિયો ઓલિમ્પિકમાં મહિલા ફૂટબોલમાં ગોલ્ડ મેડલ જીતનારી કેનેડાની ટીમ પણ વિવાદમાં સપડાઈ છે. ટીમની કોચ પર આરોપ લાગ્યો છે કે એણે ડ્રોન મોકલાવીને હરિફ ન્યૂઝીલેન્ડની ટીમના પ્રેક્ટિસ સેશનનું રેકોર્ડિંગ કરાવ્યું હતું, જેથી એ જોઈને કેનેડાની ગેમ સ્ટ્રેટેજી ઘડી શકાય. વિવાદને પગલે મહિલા કોચને ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવાઈ છે અને આ મુદ્દાની ઝીણવટપૂર્વકની તપાસના આદેશ અપાયા છે.

ખબરદાર જો હિજાબ પહેર્યો છે તો!

આતંકવાદ પ્રત્યે ફ્રાન્સનું વલણ હંમેશથી આકરું રહ્યું છે. ઘણી ધાર્મિક રીતરસમો પર પણ ફ્રાન્સમાં પ્રતિબંધ છે, જેમાંની એક છે મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરાતો હિજાબ. ઓલિમ્પિક ગેમ્સ શરૂ થાય એ અગાઉ જ યજમાન દેશે ગેમ્સમાં ભાગ લેનારા તમામ ફ્રેન્ચ એથ્લેટ્સને કહી દીધું હતું કે ગેમ્સમાં તમારે કોઈએ હિજાબ (એક પ્રકારનો માથું ઢાંકતો સ્કાર્ફ) પહેરવાનો નથી. આ નિર્ણયની જોરદાર ટીકા અને વિરોધ થઈ રહ્યો છે. (જોકે, અન્ય દેશની મહિલા ખેલાડીઓને ઓલિમ્પિક વિલેજમાં હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવી છે.)  

યુદ્ધખોર દેશો પર પ્રતિબંધ મૂકો

વૈશ્વિક રમતોત્સવના યજમાન ફ્રાન્સમાં ગેમ્સ શરૂ થવા અગાઉથી જ જાતભાતના વિરોધ પ્રદર્શનો થતા રહ્યા છે. યુક્રેન પર હુમલો કરનાર રશિયા (અને એને સાથ આપનાર ‘બેલારુસ’) અને પેલેસ્ટાઇન પર આક્રમણ કરનાર ઈઝરાયેલના ખેલાડીઓને સ્પર્ધામાં ભાગ ન લેવા દેવાની માંગ કરતા લોકટોળા પેરિસની સડકો પર ઉતરી આવ્યા હતા. આવા વિરોધ પ્રદર્શનોને શાંતિપૂર્વક સાચવી લેવાની જવાબદારી ફ્રેન્ચ સત્તાવાળાઓને માથે આવી પડી છે.

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા રશિયા અને બેલારુસના ખેલાડીઓને તટસ્થ બેનર હેઠળ ઓલિમ્પિકમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે, પણ તેઓ એમના દેશના ધ્વજ હેઠળ ટીમ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. ઓપનિંગ સેરેમનીમાં પણ એમને ભાગ લેવા દેવાયા નથી. 

કામદારોના અધિકારોના ઉલ્લંઘનનો કેસ

ઓલિમ્પિકની તૈયારી માટે જે કોઈ બાંધકામ પ્રોજેક્ટ્સ હાથ ધરાયા હતા એમાં લગભગ 181 અકસ્માત થયા છે. એ અકસ્માતોમાં ગંભીર રીતે ઘાયલ થયેલા કામદારોના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ ફ્રાંસની સરકાર પર લાગ્યો છે. કામદારો અને તેમના યુનિયનો એમની સલામતી માટેની શરતો અને વળતરની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. અનેક કાર્યકર સંગઠનોએ ઓલિમ્પિકમાં ખલેલ પહોંચાડવાની ધમકી પણ આપી છે.

સીન નદીના પાણીની ગુણવત્તા પર ઊભા કરાયા પ્રશ્નો

પેરિસ શહેરને બે ભાગમાં વહેંચતી સીનમાં ઉદ્ઘાટન સમારોહ યોજાઈ ગયો. નદીમાં સ્વિમિંગ સ્પર્ધાઓ પણ યોજાવાની છે. પણ નદીનું પાણી અનેક ગુણવત્તા પરીક્ષણોમાં નિષ્ફળ ગયું હોવાનું કહીને વિવાદનો વંટોળ છેડવામાં આવ્યો છે. નદીનું પાણી સ્વચ્છ જ છે, એ સાબિત કરવા માટે પરિસના મહિલા મેયર નદીમાં સ્વિમિંગ પણ કરી ચૂક્યા છે. જોકે, છતાં નદીમાં સ્પર્ધાઓ યોજવા સામેનો વિરોધ શમ્યો નથી. ભારે વરસાદ થયો તો પણ નદીમાં પ્રદૂષણનું જોખમ વધી શકે છે. એમ થયું તોય એવા પાણીમાં સ્પર્ધાઓ યોજાશે?

ખેલાડીઓ પર ફેંકાઈ બોટલો

ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ યોજાય એ પહેલાં જ અમુક રમતોની શરૂઆત થઈ જતી હોય છે. એવી એક રમત છે ફૂટબોલ. 2024ની પ્રથમ મેચમાં જ વિવાદ થયો હતો. આર્જેન્ટિના અને મોરોક્કો વચ્ચેની ફૂટબોલ મેચમાં આર્જેન્ટિના દ્વારા કરાયેલા એક ગોલને રેફરીએ રદબાતલ જાહેર કરાતા ચાહકો વિફર્યા હતા, એમની વચ્ચે ચણભણ મચી હતી. એમાં મોરક્કોના પ્રશંસકોએ આર્જેન્ટિનાના ખેલાડીઓ પર બોટલ ફેંકવાનું શરૂ કરી દીધું, અમુક ફેન્સ મેદાનમાં દોડી ગયા હતા. જેને કારણે લગભગ બે કલાક સુધી મેચ રોકવી પડી હતી.

મેદાનમાં ઘૂસી ગયેલા પ્રશંસકોને પોલીસે મેદાનની બહાર ધકેલી દીધા હતા અને પછી આખું સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું હતું. સલામતી માટે ખેલાડીઓને પણ મેદાનની બહાર મોકલી દેવાયા હતા. આ બધામાં 2 કલાક લાગ્યા. એ પછી ચાહકો વિના ખાલી સ્ટેડિયમમાં જ મેચ પૂરી કરાઈ હતી.

રેલવે નેટવર્ક પર હુમલો

ગુરુવારે રાત્રે ઉદ્ધાટન સમારંભના થોડા કલાકો અગાઉ ફ્રાન્સના સૌથી મોટા હાઈ-સ્પીડ રેલવે નેટવર્ક પર સુઆયોજિત હુમલો કરાયો હતો, જેમાં તોફાની તત્વો દ્વારા ભાંગફોડ કરવામાં આવી હતી અને આગ પણ લગાવવામાં આવી હતી. હુમલાને પરિણામે ફ્રાન્સના અન્ય શહેરો-વિસ્તારો અને યુરોપના અન્ય દેશોમાંથી પેરિસ આવવા નીકળેલા આઠ લાખ જેટલા લોકોનો પ્રવાસ ખોરવાઈ ગયો હતો, તેઓ રેલવે સ્ટેશનો પર રઝળી પડ્યા હતા. ગેમ્સમાં ભાગ લેવા આવેલા ઘણા ખેલાડીઓ પણ રેલવે સેવાના અભાવમાં અટવાયા હતા. ફ્રાન્સના ગૃહમંત્રીએ રશિયાનું પીઠબળ ધરાવતા તત્વો દ્વારા આ હુમલો કરાયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. 

ખામીયુક્ત આયોજનના આરોપો 

ઉદ્ઘાટન સમારંભ દરમિયાન સીન નદીમાં પરેડ યોજાઈ હતી. એમાં નાઇજિરિયાની મહિલા બાસ્કેટબોલ ટીમની ખેલાડીઓને એમના દેશની બોટમાં ચડતા અટકાવવામાં આવી હતી. બોટમાં હાજર ખેલાડીઓનું વજન બોટની ક્ષમતા કરતાં વધી જતું હોવાથી આમ કરવામાં આવ્યું હતું. એ પછી વૈકલ્પિક વ્યવસ્થા ન થતાં મહિલા ખેલાડીઓએ એથ્લેટ્સ વિલેજમાં પરત જવું પડ્યું હતું. સખત મહેનત કરીને ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયેલ ખેલાડીઓને યાદગાર સમારંભમાં ભાગ જ લેવા ન મળે એ કેવું!

ભારતીય ખેલાડીઓને પડી ભોજનની સમસ્યા

નાઈજિરિયન ખેલાડીઓની જેમ ભારતીય ખેલાડીઓ પણ ખામીયુક્ત આયોજનના ભોગ બન્યા હતા. ભોજનમાં જે ભારતીય વાનગીઓ હતી એ અપૂરતી હોવાથી ઘણા ભારતીય ખેલાડીના ભાગમાં નહોતી આવી. એ પછી ખેલાડીઓએ અન્ય વાનગીઓથી કામ ચલાવવું પડ્યું હતું અને આયોજન બાબતે અણગમો વ્યક્ત કર્યો હતો.  

પેરિસ ઓલિમ્પિકના આયોજનમાં ફ્રાન્સ માટે તો જાણે ‘એક સાંધે ને તેર તૂટે’ જેવો ઘાટ સર્જાયો છે. આશા રાખીએ કે વિશ્વના સૌથી મહાન એવા આ રમતોત્સવમાં હવે કોઈ વિવાદ ન સર્જાય અને સમગ્ર ઇવેન્ટ શાંતિથી પાર પડે.


Google NewsGoogle News