આ મહિલા છે પુરુષ? ઓલિમ્પિક વખતે લિંગ પરીક્ષણમાં ખેલાડીઓનો પણ ખો નીકળી જાય છે

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
આ મહિલા છે પુરુષ? ઓલિમ્પિક વખતે લિંગ પરીક્ષણમાં ખેલાડીઓનો પણ ખો નીકળી જાય છે 1 - image


Boxing Controversy in Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં વિવાદોનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. તાજો વિવાદ તો ઘણો સંવેદનશીલ છે અને એ છે ખેલાડીની જાતિ બાબતે. 

શું થયું બોક્સિંગ રિંગમાં?

અલ્જિરિયાની બોક્સર ‘ઈમાન ખલીફ’ અને ઈટાલીની ‘એન્જેલા કેરિની’ વચ્ચે ગુરુવારે બોક્સિંગનો એક મુકાબલો યોજાયો હતો. ફક્ત બે મુક્કા અને ગેમ ખતમ! ઈમાનના મુક્કા એટલા પાવરફૂલ હતા કે ફક્ત 46 સેકન્ડમાં જ એન્જેલાએ રમત છોડી દેવી પડી. પીડાની મારી એ રડી પડી હતી. બિલકુલ એવો જ બીજો કિસ્સો બન્યો બૉક્સિંગની એક અન્ય મેચમાં. ઉઝબેકિસ્તાનની ‘સિટોરા તાર્દીબેકોવા’ને તાઇવાનની ‘લિન યુ-ટીંગ’એ હરાવી દીધી હતી. 

શેનો થયો વિવાદ?

બોક્સિંગમાં જીતનાર બંને ખેલાડી ઈમાન અને લિન મહિલા નહીં પુરુષ હોવાનો વિવાદ ચગ્યો છે. ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન(IBA)એ ઈમાન ખલીફ અને લિન યુ-ટીંગ બંનેને લિંગ પરીક્ષણમાં નિષ્ફળ જવા બદલ બોક્સિંગમાં ભાગ લેતી અટકાવી હતી. છતાં બંનેને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાની મંજૂરી મળી ગઈ. કઈ રીતે? બોક્સિંગ એસોસિએશને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (ICO) પર આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે.

આ પણ વાંચો : લવ ઇન પેરિસ: ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને પ્રેમનો ઈજહાર, ડાયમંડ રિંગ પહેરાવી કર્યું પ્રપોઝ

પુરુષ હોય તો મહિલાઓની સ્પર્ધામાં કઈ રીતે ભાગ લે?

IBAના 'લિંગ ટેસ્ટ'માં નાપાસ થયેલા અને પરિણામે અયોગ્ય ઠેરવાયેલા બોક્સર્સને તો પછી પેરિસ ઓલિમ્પિકમાં રમવાની તક કેવી રીતે મળી? આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. IBAના પ્રશ્નોના જવાબમાં IOC એ એવું કહ્યું છે કે, 'બંને બોક્સર IBA ના મનસ્વી નિર્ણયનો ભોગ બન્યા હતા. યોગ્ય પ્રક્રિયા વિના જ તેમને ગેરલાયક ઠેરવી દેવાયા હતા.’ 

ખેલાડી પ્રતિબંધિત દવાનું સેવન કરતો પકડાય તો IOC એના પર તરત પ્રતિબંધ મૂકે છે. લિંગ પરીક્ષણની વાત કરીએ તો ખેલાડીના પાસપોર્ટ પર એની જે જાતિ લખી હોય એ IOC સ્વીકારી લે છે. કહેવાની જરૂર ખરી કે, પાસપોર્ટ સાથે ચેડાં કરી શકાય છે!

IBA અને IOC વચ્ચેની ખેંચતાણમાં પીસાતા ખેલાડી

IBA યોગ્ય રીતે કામ ન કરતું હોવાનું કહીને IOC એ જૂન 2019 માં IBA ની ઓલિમ્પિક માન્યતા રદ કરી દીધી હતી. IBA પર ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટનું આયોજન કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. પેરિસ ઓલિમ્પિક માટે બોક્સરોની પસંદગી કરવા માટે ‘પેરિસ બોક્સિંગ યુનિટ’ (PBU) નામનું કામચલાઉ એકમ IOC એ બનાવ્યું હતું. PBU અને IBAના પાત્રતાના માપદંડો અલગ-અલગ હોવાથી ઈમાન ખલીફ અને લિન યુ-ટિંગને IBA દ્વારા આયોજિત 'લિંગ ટેસ્ટ'માં નિષ્ફળ જવા છતાં ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક મળી છે.

IBAએ તો બેધડક કહ્યું છે કે, ‘ખલીફ અને યુ-ટીંગ બંનેએ 'ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટ' કરાવ્યો નથી. એમણે કોઈ 'અલગ પ્રકારનું’ પરીક્ષણ કરાવ્યું હોવાનું કહેવાય છે, પણ એ કયું પરીક્ષણ છે એ ગોપનીય રાખવામાં આવ્યું છે. બંને ખેલાડીને અન્ય મહિલા બોક્સરોની સરખામણીમાં સ્પર્ધાત્મક ફાયદો થઈ રહ્યો છે.’

શું કહેવું છે ખેલાડીઓનું?

હાલ પૂરતી ફક્ત ઈમાનની વાત કરીએ તો, એ પોતાને મહિલા તરીકે ઓળખાવે છે, પરંતુ તેના રંગસૂત્રો પુરૂષો જેવા છે અને એના શરીરમાં પુરૂષ હોર્મોન્સનું પ્રમાણ ખૂબ ઊંચું છે. મતલબ એ કે, બાયોલોજિકલી તો ઈમાન પુરૂષ છે. વિવાદને પગલે એવી માંગ ઊઠી છે કે જેના લિંગ પરીક્ષણ બાબતે ખાતરીપૂર્વક ન કરી શકાતું હોય એવી કોઈપણ વ્યક્તિને મહિલા રમતમાં પ્રવેશ મળવો જોઈએ નહીં.

શું છે હકીકત?

ઈમાન ટ્રાન્સજેન્ડર છે, એવું અવારનવાર કહેવાતું રહ્યું છે. સ્ત્રીના અંગ લઈને જન્મેલી હોવાથી જન્મના પ્રમાણપત્ર પર તો એ સ્ત્રી છે એવું જ લખાયેલું છે. પણ એ ‘ડિફરન્સ ઑફ સેક્સ ડેવલપમેન્ટ’ (ડીએસડી) નામની સમસ્યા સાથે જન્મી હતી. આ એક એવી સ્થિતિ છે જેમાં સ્ત્રી-શરીરમાં પુરૂષ હોર્મોન ‘ટેસ્ટોસ્ટેરોન’નું સ્તર ખૂબ ઊંચું થઈ જાય છે અને પુરુષના શરીરમાં હોય એવા રંગસૂત્રો XY પણ સ્ત્રી-શરીરમાં હોય છે. પુરૂષ હોર્મોન્સ અને રંગસૂત્ર ધરાવતી સ્ત્રી અન્ય સ્ત્રીઓ કરતાં વધુ શક્તિશાળી હોય છે. અગાઉ આ સમસ્યાને ‘ઇન્ટરસેક્સ’ કહેવાતું, હવે ડીએસડી કહેવાય છે. 

આ મહિલા છે પુરુષ? ઓલિમ્પિક વખતે લિંગ પરીક્ષણમાં ખેલાડીઓનો પણ ખો નીકળી જાય છે 2 - image

ભારતની આ ખેલાડી પર પણ લાગ્યા છે આવા જ આરોપ

પૌરુષી હોર્મોન્સનો ફાયદો મેળવીને મેડલ જીતતી હોવાના આરોપ ભારતની દૂતી ચંદ પર પણ લાગ્યા હતા. એને એવું કહેવામાં આવ્યું હતું કે, તારા શરીરમાં ‘ટેસ્ટોસ્ટેરોન’નું સ્તર એટલું વધારે છે કે નિયમ મુજબ તો તને પુરુષ દોડવીરોની શ્રેણીમાં મૂકવી પડે. 

લંડન અને રિઓ ઓલિમ્પિકમાં 800 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી દક્ષિણ આફ્રિકાની જાણીતી દોડવીર ‘કેસ્ટર સેમેન્યા’ને પણ ‘ડીએસડી’નો ફાયદો મળતો હોવાનો આરોપ લગાવાયો હતો. જેને પરિણામે એણે લિંગ પરીક્ષણમાંથી પસાર થવું પડ્યું હતું. 

કેસ્ટર સેમેન્યા અને દુતી ચંદે જે વેઠવું પડેલું એવી પીડા ભૂતકાળમાં અન્ય ઘણી મહિલા ખેલાડીઓએ સહન કરવી પડી છે. ઘણી ખેલાડીઓની તો કરિયર જ ખતમ કરી દેવાઈ હતી. પોતાના પર લાગેલા આરોપના વિરોધમાં કેસ્ટર અને દુતી કોર્ટમાં જંગે પણ ચઢી હતી. 

વિવાદને પગલે બન્યા નવા નિયમ

વારંવાર પેદા થતાં આવા વિવાદોને કારણે 2019 માં ‘એથ્લેટિક્સ ફેડરેશન આંતરરાષ્ટ્રીય સંગઠન’ (IAAF) દ્વારા એવો નિયમ બનાવવામાં આવ્યો કે ‘ડીએસડી’ જેવી સમસ્યા ધરાવતી મહિલા ખેલાડીઓએ સ્પ્રિન્ટ ઇવેન્ટ્સમાં (દોડની રમતમાં) ભાગ લેતાં પહેલાં એમના ટેસ્ટોસ્ટેરોનના સ્તરને ઘટાડવા માટેની દવાઓ લેવી પડશે. એમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર માન્ય સ્તરે નીચું આવશે પછી જ એમને એથલેટિક્સની સ્પર્ધાઓમાં ભાગ લેવાની મંજૂરી મળશે. આ નિયમ ભેદભાવપૂર્ણ છે, એવું કહીને એનો વિરોધ કરનાર ખેલાડીઓએ અવાજ પણ ઉઠાવ્યો છે. જોકે, આ નિયમ અન્ય રમતોમાં લાગુ ન પડતો હોવાથી અલ્જિરિયાની બોક્સર ઈમાન ખલીફને એ પરીક્ષણ કરાવવું નથી પડ્યું. 

નવું નથી રમતસ્પર્ધાઓમાં લિંગ પરીક્ષણ 

ઘણી મહિલા ખેલાડીઓ ચહેરાથી અને કદકાઠીથી પુરુષ જેવી દેખાતી હોય છે. એવી ખેલાડીઓને અવારનવાર શંકાશીલ નજરે જોવામાં આવે છે. ભૂતકાળમાં પણ ઓલિમ્પિક્સ સહિત તમામ મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ શરૂ થાય એ પહેલાં લિંગ પરીક્ષણ કરાતું. વિજ્ઞાન વિકસ્યું એ સમયથી ખેલાડીના શરીરમાં હોર્મોન્સનું સ્તર તપાસવામાં આવતું થયું, બાકી એ અગાઉ તો વિશ્વસનીય પરીક્ષણ પદ્ધતિઓના અભાવને લીધે રમતવીરના કપડાં ઉતરાવીને એના ગુપ્તાંગો તપાસવામાં આવતા.

પરીક્ષણ માટે મહિલા ખેલાડીઓને નિર્વસ્ત્ર કરાતી 

1928 ની એમ્સ્ટરડેમ ઓલિમ્પિકમાં સૌપ્રથમવાર મહિલા ખેલાડીઓને દોડ સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળી હતી. એ જમાનામાં પૌરુષી દેખાવ ધરાવતી મહિલાઓનું લિંગ પરીક્ષણ કર્યા પછી જ એમને સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી અપાતી. 

1966 સુધીમાં તો ફક્ત શંકાસ્પદ જણાય એ જ નહીં, તમામ મહિલા ખેલાડીઓની નગ્નતપાસ થવા લાગી હતી. એકથી વધુ નિષ્ણાતોની બનેલી કમિટી પેનલની સામે મહિલાએ કપડાં ઉતારીને પોતાનું સ્ત્રીત્વ સાબિત કરવું પડતું. જેને લીધે વિરોધનો વંટોળ ફૂંકાયો. પરિણામે એ પદ્ધતિને પડતી મૂકવામાં આવી. એ પછી રંગસૂત્રો અને હોર્મોન્સના પરીક્ષણની શરૂઆત થઈ. 1999 માં ફરજિયાત પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પરંતુ શંકાસ્પદ દેખાતા એથ્લેટ્સનું પરીક્ષણ હજુ પણ કરવામાં આવે છે.

લિંગ પરિવર્તનના રસપ્રદ નિયમો

- બધી રમતોના લિંગ બાબતના નિયમો એકસમાન નથી હોતા. અમુક રમત ફેડરેશનો લિંગ પરીક્ષણ માટે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર જુએ છે તો અમુક ખેલાડીની તરુણાવસ્થાને ધ્યાનમાં લે છે. -  એથ્લેટિક્સ, સાયકલિંગ, સ્વિમિંગ, રગ્બી અને ક્રિકેટમાં એવી ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સ્ત્રી-રમતોમાં ભાગ નથી લઈ શકતી જેણે એની તરુણાવસ્થામાં પ્રવેશ કર્યા પછી લિંગ પરિવર્તન કરાવ્યું હોય.

- સ્વિમિંગની સ્પર્ધાઓમાં બેન્ચમાર્ક છે 12 વર્ષ. છોકરો 12 વર્ષ પૂરા કરે એ પહેલાં લિંગ પરિવર્તન કરાવીને છોકરી બની ગયો હોય તો જ એ સ્વિમિંગમાં મહિલાઓની સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.


Google NewsGoogle News