Paris Olympics : સેમિ ફાઈનલમાં ભારતીય રેસલર અમન સહરાવતની હાર, હવે બ્રોન્ઝ મેડલ માટે થશે મુકાબલો

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
Aman Sehrawat


Aman Sehrawat Semifinal : રેસલર અમન સહરાવત 57 કિલો કેટેગરીના સેમિ ફાઇનલ મુકાબલામાં હારી ગયો છે. જાપાનના રી હિગુચી સાથે મુકાબલો, આ મેચમાં હિગુચીએ અમનને 0-10થી મ્હાત આપી હતી. સેમિ ફાઇનલ મુકાબલામાં ભારતીય રેસલરનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું. ત્રણ જ મિનિટમાં મુકાબલો સમાપ્ત થઈ ગયો હતો. રી હિગુચીને ટેક્નિકલ સુપિરિયટીના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. 

જોકે હજુ અમન સહરાવત માટે હજુ મેડલ જીતવાની આશા જીવંત છે. આગામી નવમી ઓગસ્ટે બ્રોન્ઝ મેડલ માટે મુકાબલો થશે. 

હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ 

ભારત અને સ્પેન (IND vs SPA) વચ્ચે આજે Paris Olympics માં બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાઈ હતી. જેમાં ભારતનો શાનદાર 2-1થી વિજય થયો હતો. આ ભવ્ય વિજય સાથે ભારતે 52 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન કરી પોતાના રેકોર્ડની બરાબરી કરી છે. 52 વર્ષ પહેલા ભારત હોકીમાં 1968 અને 1972માં સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યું હતું. આ વખતે ફરીથી ભારત પાસે આ રેકોર્ડની બરાબરી કરવાની તક હતી. કારણ કે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારત બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. એ સમયે ભારતે બ્રિટનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે સ્પેનને હરાવી ભારત સતત બીજી વાર બ્રોન્ઝ મેડલ જીત્યું છે.

ઓલિમ્પિકમાં ભારતીય હોકીનો સુવર્ણ ઇતિહાસ

ભારત માટે હોકીના સુવર્ણ યુગની શરૂઆત 1928ના એમ્સટર્ડમ ઓલિમ્પિકથી થઇ હતી. ભારતીય પુરુષ હોકી ટીમના દિગ્ગજ ખેલાડી ધ્યાનચંદના નેતૃત્વમાં ભારતીય પુરૂષ હોકી ટીમે 29 ગોલ કર્યા અને એક પણ ગોલ ગુમાવ્યા વિના પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી, ટીમે 1932 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો, ત્યારપછી ભારતે 1936 બર્લિન ઓલિમ્પિકમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીતીને ગોલ્ડન હેટ્રિક નોંધાવી હતી. બીજા વિશ્વયુદ્ધને કારણે 1940 અને 1944માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને ત્યારબાદ ભારતે 1948માં લંડન ઓલિમ્પિકમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે તેની પ્રથમ સમર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. ભારતે અહીં પણ પોતાની છાપ છોડી અને હોકીમાં સતત ચોથો ગોલ્ડ જીત્યો હતો. આ પછી 1952 અને 1956માં પણ ટીમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ રીતે ભારતે સતત છ ઓલિમ્પિકમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


Google NewsGoogle News