તારીખ પર તારીખ...: વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં તે મુદ્દે હવે આ તારીખે આવશે ચુકાદો
Vinesh Phogat Case : પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપશે કે નહીં તે મુદ્દે સતત સસ્પેન્સ વધી રહ્યો છે. કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ એટલે કે CAS તરફથી તારીખ પર તારીખ આપવામાં આવી છે.
CAS આજે ( 13 ઓગસ્ટ) ચુકાદો આપવાની હતી પરંતુ હવે આ મુદ્દે 16 ઓગસ્ટે ફેંસલો સંભળાવવામાં આવશે. જો ચુકાદો વિનેશના પક્ષમાં આવ્યો તો સિલ્વર મેડલ મળશે. આ મામલે ડૉ. એનાબેલે બેનેટ AC SC ચુકાદો આપશે. નોંધનીય છે કે અગાઉ 10 ઓગસ્ટે ચુકાદો આવવાનો હતો પછી એક દિવસ બાદની તારીખ આપવામાં આવી હતી. હવે ફરી તારીખ લંબાવવામાં આવી છે.
વિનેશ તરફથી સુનાવણી દરમિયાન કરાયેલી દલીલો
1. વિનેશે દલીલ કરી હતી કે તેણે કોઈ છેતરપિંડી કરી નથી.
2. તેનું વજન શરીરની કુદરતી રિકવરી પ્રક્રિયાને કારણે વધ્યું હતું.
3. વિનેશ વતી દલીલ કરવામાં આવી હતી કે પોતાના શરીરની કાળજી લેવી એ એથ્લિટનો મૂળભૂત અધિકાર છે.
4. વિનેશ વતી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે સ્પર્ધાના પહેલા દિવસે તેના શરીરનું વજન નિર્ધારિત મર્યાદા કરતા ઓછું હતું. માત્ર રિકવરીને કારણે વજન વધ્યું છે. સ્વસ્થ રહેવા માટે તેના શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડવા એ તેનો મૂળભૂત અધિકાર છે.
શું છે સીએએસ?
વર્ષ 1896માં પહેલી વખત ઓલિમ્પિક્સનું આયોજન ગ્રીસમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આ પછી કેટલાક વિવાદો ઊભા થવા લાગ્યા. કેટલાક ખેલાડીઓએ નિયમોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે આ બધા વિવાદોને ધ્યાનમાં રાખીને તેમને ઉકેલવા માટે વર્ષ 1984માં 'કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ'ની રચના કરવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્યાલય સ્વિત્ઝર્લેન્ડમાં છે. આ એક સ્વતંત્ર સંસ્થા છે, જે રમતગમતને લગતા વિવાદોનું નિરાકરણ લાવે છે.
શું છે ઓલિમ્પિકમાં રેસલિંગના નિયમ?
1. ઓલિમ્પિકમાં દરેક પહેલવાનનું મેચ પહેલાં વજન કરાય છે. જે દિવસે મેચ હોય, એ જ દિવસે સવારે વજન કરાય છે.
2. દરેક વેઇટ કેટેગરીમાં ટુર્નામેન્ટ બે દિવસના ગાળામાં લડાય છે. એટલે જે પહેલવાન ફાઇનલમાં પહોંચે, તેમનું સળંગ બે દિવસ વજન કરાય છે.
3. પહેલી વાર વજન કરાય ત્યારે પહેલવાનો પાસે વજન યોગ્ય કરવા 30 મિનિટનો સમય હોય છે. 30 મિનિટમાં કોઈ પણ પહેલવાન ઇચ્છે તેટલી વાર વજન કરી શકે છે.
4. બીજી વાર વજન કરે ત્યારે વજન યોગ્ય કરવાનો સમય ફક્ત 15 મિનિટ મળે છે.
5. વજન કરતી વખતે દરેક પહેલવાને ફક્ત રેસલિંગ કોસ્ચ્યુમ પહેરેલો હોવો જોઈએ.
6. વજન કર્યા પછી દરેક પહેલવાનના આરોગ્યની તપાસ થાય છે. ત્યારે નખ પણ કાપેલા હોવા જરૂરી છે.
આમ, વિનેશ ફોગાટના કેસમાં સમજીએ તો તેનું વજન એક જ દિવસમાં 100 ગ્રામ વધ્યું, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરાઈ હતી.
સેમિફાઇનલમાં શાનદાર વિજય થયો હતો
વિનેશ ફોગાટ મંગળવારે (07 ઑગસ્ટ) રમાયેલી મેચમાં પ્રથમ રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં ક્યુબાની રેસલર પર ડબલ લેગ એટેક કર્યો અને 4 પોઇન્ટ મેળવ્યા હતા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાઇનલ પહેલા, વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવી હતી.
વિનેશ ફોગાટના નામે ઘણાં મેડલ અને રૅકોર્ડ્સ
1- 2018 એશિયન ગેમ્સ, જકાર્તા - ગોલ્ડ મેડલ
2- 2018 કોમનવેલ્થ ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ - ગોલ્ડ મેડલ
3- 2014 કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો - ગોલ્ડ મેડલ
4- 2018 એશિયન ચેમ્પિયનશિપ, બિશ્કેક - સિલ્વર મેડલ
5- 2013 કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, જોહાનિસબર્ગ - સિલ્વર મેડલ
6- 2020 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી - બ્રોન્ઝ મેડલ
7- 2019 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ, કઝાકિસ્તાન - બ્રોન્ઝ મેડલ
8- 2019 એશિયન ચેમ્પિયનશિપ, ઝિઆન - બ્રોન્ઝ મેડલ
9- 2016 એશિયન ચેમ્પિયનશિપ, બેંગકોક - બ્રોન્ઝ મેડલ
10- 2014 એશિયન ગેમ્સ, ઇંચિયોન- બ્રોન્ઝ મેડલ
11- 2013 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી - બ્રોન્ઝ મેડલ