બે ગોલ્ડ અને 11 સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું, છતાં ડ્રાઈવર બની ગુજરાન ચલાવી રહ્યો છે ખેલાડી
Image : LinkedIn |
Parag Patil : ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી હાલના દિવસોમાં ચર્ચામાં છે. તેની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તે ઘણી બીમારીઓથી પીડિત છે. વિનોદ કાંબલીની હાલત જોઈને ઘણાં લોકો મદદ માટે આગળ આવ્યા છે. આ બધાની વચ્ચે વધુ એક ભારતીય ખેલાડીની હૃદયદ્રાવક કહાની સામે આવી છે. ભારતનો એક એથ્લીટ કેબ ડ્રાઈવર તરીકે પોતાનું જીવન જીવી રહ્યો છે. આ એથ્લીટે ભારત માટે ઘણાં મેડલ જીત્યા છે. આટલું બધું કર્યું હોવા છતાં પણ આ એથ્લીટને વધારે ઓળખ મળી નથી. હવે તે પોતાના પરિવારને આર્થિક મદદ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.
કેબનો ડ્રાઈવર એક સમયનો એથ્લીટ
હકીકતમાં બિઝનેસમેન આર્યન સિંહ કુશવાહાની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહી છે. તેણે એક ફોટો શેર કરતા જણાવ્યું છે કે, જે ઓલા કેબમાં હું સવારી કરી રહ્યો હતો અને તે કેબનો ડ્રાઈવર એક સમયે ભારતનો એથ્લીટ હતો. જેનું નામ પરાગ પાટીલ છે. પરાગ ભૂતપૂર્વ ઓલિમ્પિયન છે. પરાગ પાટીલે પોતાની પ્રોફેશનલ કરિયરની કહાની કહી હતું.
ભારત માટે અનેક મેડલ જીતી ચૂક્યો છે પરાગ
આર્યન સિંહ કુશવાહાએ ફોટો શેર કરતા લખ્યું કે, 'મારો કેબનો ડ્રાઈવર ઓલિમ્પિયન છે. સિનિયર ઓલિમ્પિયન પરાગ પાટીલને મળો. પરાગ ટ્રિપલ જમ્પમાં એશિયામાં બીજા ક્રમે, લાંબી કૂદમાં એશિયામાં ત્રીજા સ્થાને રહ્યો હતો. જ્યારે પણ તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, ત્યારે તે ક્યારેય મેડલ વિના પરત ફર્યો નથી. તેણે 2 ગોલ્ડ, 11 સિલ્વર, 3 બ્રોન્ઝ મેડલ ભારત માટે જીત્યા છે. તેમ છતાં તેની પાસે કોઈ સ્પોન્સર નથી. એથ્લેટિક કારકિર્દી વિશે ભૂલી જાઓ, તેની પાસે ફક્ત તેના પરિવારનું ભરણપોષણ કરવાના જ પૈસા છે. આ પોસ્ટ એવા તમામ લોકો માટે છે કે, જેઓ પરાગને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતો જોવા માટે તેની મદદ કરી શકે છે.'
પરાગ પાટીલની કારકિર્દી
અહીં તમને જણાવી દઈએ કે, પરાગ પાટીલે 30 વર્ષની ઉંમરે પોતાના પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તે પોતાના પરિવારને આર્થિક મદદ કરવા માટે નોકરી પણ કરવા લાગ્યો હતો. જો કે, પાટીલે ઓલિમ્પિકસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું કે નહીં તે જાણી શકાયું નથી. પરંતુ તેણે ચોક્કસપણે સિનિયર ઓલિમ્પિક્સમાં ભાગ લીધો છે, જેમાં મોટી ઉંમરના એથ્લીટ ભાગ લેતા હોય હતા. તેણે વર્ષ 2013માં ઈન્ટરનેશનલ વેટરન્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પહેલી વખત ભાગ લીધો હતો, જ્યાં તે 3 સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. આ સિવાય તેણે વર્ષ 2015 ઓસ્ટ્રેલિયન માસ્ટર્સ ગેમ્સમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા હતા.