પંત કે રાહુલ? ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોનું પત્તુ કપાશે? ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરે ફોડ પાડ્યો
Who Will be India No1 Wicketkeeper in Champions Trophy 2025: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ પૂર્ણ થઈ ગઈ છે. ભારતે છેલ્લી વનડેમાં ઈંગ્લેન્ડને 142 રનથી હરાવીને સીરિઝ પર કબજો કરી લીધો છે. ભારતીય ટીમ હવે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાનો દમ દેખાડશે. ત્યારે હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઋષભ પંત અને કેએલ રાહુલમાંથી કોણ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે? ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે આ સવાલનો સ્પષ્ટ જવાબ આપી દીધો છે. તેમણે કન્ફર્મ કરી દીધું છે કે રાહુલ ટુર્નામેન્ટમાં ટીમનો પ્રથમ પસંદગીનો વિકેટકીપર હશે. પંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા અંગે તાત્કાલિક વિચાર કરવામાં આવશે નહીં.
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ
રાહુલે ઈંગ્લેન્ડ વનડે સીરિઝમાં વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ પંતને ઈંગ્લેન્ડ સામેની કોઈપણ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. રાહુલને પહેલી બે મેચમાં છઠ્ઠા નંબરે બેટિંગ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો, જેમાં તે આરામદાયક નહોતો. જોકે અમદાવાદમાં રમાયેલી ત્રીજી મેચમાં તે પોતાના મનપસંદ નંબર પાંચ પર બેટિંગ કરવા આવ્યો અને 29 બોલમાં 40 રનની ઉપયોગી ઈનિંગ રમ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે ભારત 20 ફેબ્રુઆરીથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
આ પણ વાંચો: IPLમાં ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીના માલિક બદલાયા, ટોરેન્ટ ગ્રૂપે 67% હિસ્સો ખરીદ્યો
ટીમનું હિત કોઈપણ વ્યક્તિ કરતાં વધુ મહત્વનું
બુધવારે ત્રીજી વનડે જીત્યા બાદ કોચે કહ્યું કે, 'રાહુલ હાલમાં આપણો નંબર વન વિકેટકીપર છે અને હું હમણાં આટલું જ કહી શકું છું. ઋષભ પંતને તક મળશે પણ અત્યારે રાહુલ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને અમે બે વિકેટકીપર-બેટ્સમેનને સાથે ન રમાડી શકીએ.' પાંચમા નંબરે સારું પ્રદર્શન કરી રહેલા રાહુલના સ્થાને અક્ષર પટેલને પ્રથમ બે મેચમાં મેદાનમાં ઉતારવાના પોતાના નિર્ણયને વાજબી ઠેરવતા ગંભીરે કહ્યું કે, 'ટીમનું હિત કોઈપણ વ્યક્તિ કરતાં વધુ મહત્વનું છે. અમે એવરેજ અને આંકડા નથી જોતા, અમે એ જોઈએ છે કે, કયો ખેલાડી સારું પ્રદર્શન કરી શકે છે.'
યશસ્વી જયસ્વાલના સ્થાન પર વરુણ ચક્રવર્તીને કર્યો સામેલ
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં યશસ્વી જયસ્વાલને પડતો મૂક્યા બાદ સ્પિનર વરુણ ચક્રવર્તીને સામેલ કર્યો છે. કોચે આ નિર્ણયને સાચો ગણાવ્યો છે. ગંભીરે કહ્યું કે, 'આનું એકમાત્ર કારણ એ છે કે અમે વિકેટ લેનારા બોલર તરીકે એક વિકલ્પ ઈચ્છતા હતા અને અમે બધા જાણીએ છીએ કે વરુણ ચક્રવર્તી તે વિકલ્પ હોઈ શકે છે. જયસ્વાલ પાસે હજુ પણ લાંબુ ભવિષ્ય છે અને અમે માત્ર 15 ખેલાડીઓ પસંદ કરી શકીએ છીએ.'