Get The App

પંત 27 કરોડ સાથે IPL સૌથી મોંઘો ખેલાડી

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
પંત 27 કરોડ સાથે IPL સૌથી મોંઘો ખેલાડી 1 - image


- પંત લખનઉનો કેપ્ટન બનવા ફેવરિટ : શ્રેયસ ઐયરને રૂા. ૨૬.૭૫ કરોડમાં પંજાબે ખરીદ્યો

- ઋષભ પર રૂપિયાની વર્ષા

- સાઉદી અરેબિયામાં યોજાયેલી હરાજીમાં બે વખત સૌથી મોંઘા ખેલાડીનો ઓલ ટાઈમ રેકોર્ડ તુટયો ઃ એક દિવસમાં ૨૦ ક્રિકેટરોની ૧૦ કરોડ કે તેથી વધુ રકમમાં ખરીદી

જેદ્દાહ: ભારતીય વિકેટકિપર-બેટ્સમેન રિષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઈઝીએ અધધધ રૂપિયા ૨૭ કરોડની બોલી લગાવીને ખરીદી લેતાં તે આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘા ક્રિકેટર બની ગયો હતો. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી હરાજીમાં સુપરસ્ટાર ખેલાડીઓને કરારબદ્ધ કરવા ફ્રેન્ચાઈઝીઓને નાણાંની કોથળીઓ ખુલ્લી મુકી દેતાં ગણતરીની મિનિટોમાં બે વખત સૌથી મોંઘા ખેલાડીનો રેકોડ તુટયો હતો. પંતને લખનઉને રૂપિયા ૨૭ કરોડમાં ખરીદ્યો તે પહેલા જ પંજાબ કિંગ્સે ગત સિઝનમાં કોલકાતાને ચેમ્પિયન બનાવનારા શ્રેયર ઐયરને રૂપિયા ૨૬.૭૫ કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ સાથે આઇપીએલના સૌથી મોંઘા ખેલાડી તરીકેનો સ્ટાર્કનો રૂપિયા ૨૪.૭૫ કરોડનો રેકોર્ડ તુટી ગયો હતો. 

ગત સિઝન અગાઉની હરાજીમાં કોલકાતાને સ્ટાર્કને જંગી રકમ આપીને ખરીદ્યો હતો. 

નવા નિયમો અંતર્ગત યોજાયેલી આઇપીએલની હરાજીમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરને હરાજીમાં જેકપોટ લાગ્યો હતો. હરાજી પહેલા કોઈ ખાસ આકર્ષણનું કેન્દ્ર ન હોવા છતાં વેંકટેશનેતેની જ કોલકાતાની ટીમે ભારે રસાકસી બાદ તેને રૂપિયા ૨૩.૭૫ કરોડમાં ખરીદી લીધો હતો.

ઈંગ્લેન્ડનો જોશ બટલર જેદ્દાહમાં યોજાયેલી આઇપીએલની બે દિવસીય હરાજીના પ્રથમ દિવસે સૌથી મોંઘા વિદેશી ખેલાડી તરીકે બહાર આવ્યો હતો. બટલરને ગુજરાત ટાઈટન્સે રૂપિયા ૧૫.૭૫ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આઇપીએલની હરાજીની શરૂઆતમાં જ રાઈટ ટુ મેચ (આરટીએમ) કાર્ડનો ઉપયોગ જોવા મળ્યો હતો. હૈદરાબાદની ટીમે ફાસ્ટ બોલર અર્ષદીપને રૂપિયા ૧૮ કરોડમાં ખરીદ્યો હતો. જોકે પંજાબની ટીમે તેના આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને તેને પોતાની ટીમમાં પાછો સમાવી લીધો હતો. 

આઇપીએલની હરાજીમાં ૨૦ ખેલાડીઓેને જુદી-જુદી ફ્રેન્ચાઈઝીઓએ રૂપિયા ૧૦ કરોડ કે વધુ રકમની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. 

પંતને કરારબદ્ધ કરવા માટે બેંગાલુરુ અને હૈદરાબાદે રસ દાખવતા બોલી લગાવી હતી, પણ લખનઉની ટીમ તેને ગમે તેટલી કિંમતે ખરીદવા તૈયાર હોય તેમ લાગતું હતુ અને આખરે તેઓએ રેકોર્ડ ૨૭ કરોડમાં તેને પોતાની ટીમમાં સામેલ કરી લીધો હતો. અગાઉ શ્રેયસ ઐયરને ખરીદવા માટે પંજાબ અને કોલકાતામાં હોડ જામી હતી અને તેમાં દિલ્હી પણ કુદી પડયું હતુ. આખરે તેને પંજાબે ૨૬.૭૫ કરોડમાં ખરીદી લીધો હતો. 

આઇપીએલના ઓલટાઈમ સૌથી મોંઘા ખેલાડી

ક્રિકેટર

દેશ

રકમ(રૂા.)

ટીમ

ઋષભ પંત

ભારત

૨૭.૦૦ કરોડ

લખનઉ

શ્રેયસ ઐયર

ભારત

૨૬.૭૫ કરોડ

પંજાબ

મિચેલ સ્ટાર્ક

ઓસ્ટ્રેલિયા

૨૪.૭૫ કરોડ

કોલકાતા

વેંકટેશ ઐયર

ભારત

૨૩.૭૫ કરોડ

કોલકાતા

પેટ કમિન્સ

ઓસ્ટ્રેલિયા

૨૦.૫૦ કરોડ

હૈદરાબાદ

સેમ કરન

ઈંગ્લેન્ડ

૧૮.૫૦ કરોડ

પંજાબ

અર્શદીપ

ભારત

૧૮.૦૦ કરોડ

પંજાબ

યુજવેન્દ્ર ચહલ

ભારત

૧૮.૦૦ કરોડ

પંજાબ

કેમરોન ગ્રીન

ઓસ્ટ્રેલિયા

૧૭.૫૦ કરોડ

મુંબઈ

સ્ટોક્સ

ઈંગ્લેન્ડ

૧૬.૨૫ કરોડ

ચેન્નાઈ

સી.મોરિસ

સા.આ.

૧૬.૨૫ કરોડ

રાજસ્થાન


Google NewsGoogle News