ચેમ્પિયન્સ ટ્રૉફીમાં પાકિસ્તાનની શરમજનક વિદાય, વડાપ્રધાન શહબાઝ સંસદમાં ઉઠાવશે મુદ્દો
PAK vs BAN Match, Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પાકિસ્તાન ક્રિકેટ ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ ટુર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં રમાઈ રહી છે. પરંતુ આ યજમાન ટીમ ગ્રુપ સ્ટેજથી આગળ પણ વધી શકી નહીં. પરંતુ અહીં મહત્ત્વની વાત એ છે કે,પાકિસ્તાનની ટીમ કોઈપણ મેચ જીત્યા વિના જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો: ભારત સામે ભૂંડી હાર બાદ બાબર આઝમને સુનિલ ગાવસ્કરે ફોર્મમાં પાછા ફરવા આપ્યો ગુરુમંત્ર
પીએમ શરીફના રાજકીય અને જાહેર બાબતોના સલાહકાર રાણા સનાઉલ્લાહે એક ખાનગી ચેનલ પર આ માહિતી આપતાં કહ્યું કે, 'પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ હવે વ્યક્તિગત રીતે સંસદમાં તેમની ટીમની હારનો મુદ્દો ઉઠાવશે.'
સંસદ અને મંત્રીમંડળમાં હારનો મુદ્દો ઉઠાવશે
પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (PML-L)ના નેતા રાણા સનાઉલ્લાહે કહ્યું કે, 'ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાની ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો અને તે ટુર્નામેન્ટમાંથી જલદી બહાર થઈ ગઈ હતી. શરીફ સરકાર આ બાબતનું ધ્યાન રાખશે.'
રાણાએ કહ્યું કે, ' પાકિસ્તાન ટીમના અત્યંત ખરાબ પ્રદર્શન રહ્યું તેના વિશે વડાપ્રધાન વ્યક્તિગત રીતે વાત કરશે. ભલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એક સ્વતંત્ર સંસ્થા છે. પરંતુ તેઓ સંસદ અને મંત્રીમંડળમાં પાકિસ્તાન ક્રિકેટ સંબંધિત મુદ્દાઓ ઉઠાવશે.'
આમ તો બોર્ડ પોતાના નિર્ણયો જાતે જ લે છે. પરંતુ તેઓ વડાપ્રધાનને અપીલ કરશે કે, તેઓ સંસદ અને મંત્રીમંડળમાં ટીમની હારનો મુદ્દો ઉઠાવે. આ દરમિયાન ચેરમેન (પીસીબી) ની નિમણૂકનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે.
ટુર્નામેન્ટની શરુઆતના 5 દિવસમાં પાકિસ્તાન બહાર થઈ ગયું
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા આયોજિત ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. પાકિસ્તાનમાં 29 વર્ષ પછી ICC ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાન ટીમને 60 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યાર બાદ પાકિસ્તાનની ટીમે 23 ફેબ્રુઆરીએ ભારત સામે બીજી મેચ રમી. દુબઈમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટથી જીત મેળવી હતી. એજ રીતે તેના પોતાના યજમાનીમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ પહેલા પાંચ દિવસમાં બે મેચ હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી.
જોકે, ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન ટીમને ગુરુવારે (27 ફેબ્રુઆરી) બાંગ્લાદેશ સામે તેની ત્રીજી અને છેલ્લી મેચ રમવાની હતી. આ મેચ રાવલપિંડીમાં યોજાવાની હતી, પરંતુ વરસાદને કારણે મેચ સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. આ રીતે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા. આ રીતે પાકિસ્તાની ટીમ તેના ગ્રુપ-એમાં સૌથી નીચે આવી ગઈ.