એક સમયનો જાણીતો પાકિસ્તાની અમ્પાયર હવે નાનકડી દુકાનમાં જૂતા વેચે છે
નવી દિલ્હી, તા. 25 જૂન 2022, શનિવાર
એક સમયે આઈસીસીની એલિટ પેનલમાં સામેલ પાકિસ્તાનના જાણીતા અમ્પાયર અસદ રઉફ હવે લાહોરના બજારમાં એક નાનકડી દુકાનમાં જૂતા વેચી રહ્યા છે.
રઉફે એક પાક ચેનલ સાથે વાત કરતા કહ્યુ હતુ કે, 2013 પછી મેં ક્રિકેટ સાથે કોઈ નાતો રાખ્યો નથી.કારણકે હું જે કામ છોડુ છુ તેને કાયમ માટે છોડી દઉં છું. જોકે મહેનત કરવી મારા લોહીમાં છે અને જીવતો રહીશ ત્યાં સુધી કામ કરીશ. હું અત્યારે 66 વર્ષનો છું અને મારા પગ પર ઉભો છું. લોકોએ કામ કરતા રહેવુ જોઈએ.
ઉલ્લેખનીય છે કે, રઉફ પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ મુકીને ભારતના ક્રિકેટ બોર્ડે તેમના પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. તેમના પર સટોડિયાઓ પાસેથી ગિફ્ટ લેવાનો આરોપ હતો. 2013માં આઈપીએલના ફિક્સિંગ કાંડમાં પણ તેમની સંડોવણી બહાર આવી હતી.
રઉફ પર 2012માં મુંબઈની એક મોડેલે પણ યૌન શોષણ કરવાનો આરોપ રઉફ પર મુકયો હતો અને કહ્યુ હતુ કે, રઉફે મારી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો અને બાદમાં ફરી ગયા હતા.
49 ટેસ્ટ, 98 વન ડે મેચોમાં અસદ રઉફ અમ્પાયરિંગ કરી ચુકયા છે.