'આ તારું ભારત નથી...' યુવકને ભારતીય સમજીને મારવા દોડ્યો પાકિસ્તાની ક્રિકેટર, બબાલનો વીડિયો થયો વાયરલ
Haris Rauf Fight With Fan: પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે. ત્યારે હવે ફેન્સ ટીમ પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહી છે. કોચ ગેરી કિર્સ્ટને પણ પાકિસ્તાની ટીમમાં એકતા ન હોવાની વાત કહી હતી. તેમજ ખેલાડીઓમાં પણ ગુસ્સો વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે પાકિસ્તાની બોલર હારિસ રઉફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અમેરિકાના એક પાર્કમાં પોતાના ફેન્સને મારવા દોડી રહ્યો છે.
પાકિસ્તાની બોલર હારિસનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હારિસ રઉફ તેની પત્ની સાથે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેનો એક ફેન સાથે ઝઘડો થઇ જાય છે. ઝગડાની શરૂઆત કેમ થઈ અને મામલો મારામારી સુધી કેમ પહોંચ્યો તે બાબત સ્પષ્ટ થઈ નથી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હારિસ અચાનક તેની પત્નીનો હાથ છોડે છે અને ફેન મારવા માટે તેની તરફ દોડે છે પરંતુ લોકો તેને રોકી લે છે.
હારિસ રઉફ જેની સાથે ઝઘડો કરે છે તે ફેનને એવું કહેતા સાંભળી શકાય છે કે, 'એક ફોટો માંગુ છે, ફેન છું તમારો એટલ એક ફોટો માંગું છું.' આ પછી બંને વચ્ચે દલીલબાજી થતી જોવા મળે છે. આ પછી, હારિસ પાછો આવે છે અને ફેનને કહે છે કે, 'આ તમારું ભારત નથી.' જવાબમાં ફેન તેને કહે છે કે, 'હું પાકિસ્તાનનો જ છું'. આ પછી હારિસ ફેનને કહે છે, 'આ તમારી આદત છે.'
ગેરી કર્સ્ટનનું નિવેદન વાયરલ થયું હતું
આ પહેલા પાકિસ્તાની ટીમના કોચ ગેરી કર્સ્ટનનું નિવેદન પણ વાયરલ થયું હતું. કર્સ્ટને કહ્યું હતું કે, 'ટીમમાં ઘણા ગ્રુપ બની ગયા છે. આવી ટીમ સાથે કામ કરવું મુશ્કેલ છે. તેમજ પાકિસ્તાની ટીમના ખેલાડીઓનું ફિટનેસ લેવલ પણ સારું નથી. ટીમ અન્ય ટીમની સરખામણીમાં સ્કિલના મામલે પણ ઘણી પાછળ છે. તેમજ આટલું ક્રિકેટ રમવા છતાં ક્યારે કયો શોટ રમવો તે કોઈને ખબર નથી.'
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ગેરી કર્સ્ટને કહ્યું હતું કે, 'જ્યારથી હું ટીમમાં જોડાયો છું ત્યારથી મેં જોયું છે કે ટીમમાં એકતા નથી. ખેલાડીઓ એકબીજાને સપોર્ટ કરતા નથી અને મેં ઘણી ટીમ સાથે કામ કર્યું છે પરંતુ મેં આવી સ્થિતિ પહેલા ક્યારેય જોઈ નથી.'