પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરને 12 વર્ષની જેલની સજા, જાણો શું હતો મામલો
2017ના મેચ ફિક્સિંગના આરોપી ખાલિદ લતીફે સાંસદને મારવા 19 લાખના ઈનામની જાહેરાત કરી હતી
ધમકી આપવા, મોતની સોપારી આપવા સહિતના મામલે નેધરલેન્ડ્સ કોર્ટે પૂર્વ ક્રિકેટરને ખાલિદ લતીફને સજા ફટકારી
એમ્સટર્ડમ, તા.13 સપ્ટેમ્બર-2023, બુધવાર
નેધરલેન્ડ્સની એક કોર્ટે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ખાલિદ લતીફને 12 વર્ષની સજા સંભળાવી છે. લતીફ પર એક દક્ષિણપંથી ડચ નેતા ગીર્ટ વીલ્ડર્સને મારવાની ધમકી આપવા તેમજ તેમની મોત માટે સોપારી આપવાનો આરોપ છે. પાકિસ્તાનમાં રહેતો 37 વર્ષિય ખાલિદ નેધરલેન્ડ્સ ક્યારેય ગયો નથી. ખાલિદ લતીફ સામે જ્યારથી કેસ ચાલી રહ્યો છે, ત્યારથી તેણે સુનાવણીમાં પણ હાજરી આપી નથી.
ખાલિદે વિલ્ડર્સની હત્યા માટે ઈનામ આપવાની જાહેરાત કરી હતી
નેધરલેન્ડ્સની કોર્ટે ખાલિદ લતીફને હત્યા માટે ઉશ્કેરણી કરવા, ધમકી આવવા, દેશદ્રોહ સહિતના આરોપોમાં દોષીત ઠેરવ્યો છે. ફરિયાદી પક્ષે કહ્યું કે, લતીફે વર્ષ 2018માં એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે વિલ્ડર્સની હત્યા માટે ઈનામ આપવાની જાહેરાત કરી હતી.
ખાલિદ લતીફ આ કારણે ગીર્ટ વીલ્ડર્સને આપી હતી ધમકી
ઉલ્લેખનિય છે કે, ગીર્ટ વીલ્ડર્સે પયગંબર મોહમ્મદનું કાર્ટુન બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવા યોજના બનાવી હતી. સ્પર્ધાની જાહેરાત બાદ ભારે હોબાળો મચ્યો હતો અને વિલ્ડર્સ વિરુદ્ધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા. ઉપરાંત તેમને જાનથી મારવાની ધમકીઓ પણ મળવાની શરૂ થઈ ગઈ હતી, જેના કારણે તેમણે સ્પર્ધા રદ કરી દીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ખાલિદ લતીફે ધમકીભર્યો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના કારણે તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. અત્રે એ યાદ રહે કે, ઈસ્લામમાં પયગમ્બર મોહમ્મદની તસવીરો બનાવવી અથવા દેખાડવી પ્રતિબંધિત છે.
અગાઉ ખાલીદ પર લાગ્યો હતો મેચ ફિક્સિંગના આરોપ
ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ખાલિદ લતીફે પાકિસ્તાન માટે કુલ 5 વન-ડે અને 13 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ખાલીદે 2010 એશિયા રમતો દરમિયાન કેપ્ટનશીપ પણ સંભાળી હતી. ખાલિદ લતીફ પર 2017માં મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો, જેના કારણે તેના પર 5 વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો ઉપરાંત લતીફને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારાયો હતો.