પાકિસ્તાનનું ફરી શરમથી માથું નીચું થયું, સ્ટાર ખેલાડી મહિલાના પર્સમાંથી રૂપિયા ચોરીને થયો ગાયબ
ગયા વર્ષે ઝોહૈબે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
Image:Social Media |
Pakistani Boxer Steals Money : પાકિસ્તાનીઓ હંમેશા કોઈ ને કોઈ કામના કારણે વિદેશમાં પોતાના દેશનું માથું નીચું કરાવતા હોય છે. તેના માટે આતંકવાદ પણ મોટો મુદ્દો છે. પાકિસ્તાની લોકો પણ દુનિયાભરમાં પોતાના દેશની છબી ખરાબ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. આ દરમિયાન એક પાકિસ્તાની બોક્સરે ઈટાલીમાં આવું શરમજનક કૃત્ય કર્યું છે, જેણે તેના દેશને શરમમાં મૂકી દીધો છે.
ઓલિમ્પિક ક્વાલિફિકેશન ઇવેન્ટમાં ભાગ લેવા માટે ઇટાલી પહોંચ્યો
પાંચ સભ્યોની ટીમ સાથે પાકિસ્તાની બોક્સર ઝોહૈબ રાશિદ ઓલિમ્પિક ક્વાલિફિકેશન ઇવેન્ટમાં ભાગ લેવા માટે ઇટાલી પહોંચ્યો હતો. પરંતુ આ દરમિયાન ઝોહેબ તેની મહિલા સાથી લૌરા ઇકરામના પર્સમાંથી પૈસાની ચોરી કરી અને ભાગી ગયો. પાકિસ્તાન એમેચ્યોર બોક્સિંગ ફેડરેશને આજે આ માહિતી આપી હતી.
પાકિસ્તાની ખેલાડીઓ પોતાના દેશ પરત જવા માંગતા નથી
પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ ઈટાલીમાં પાકિસ્તાની દૂતાવાસને આ ઘટના અંગે જાણ કરી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ પાકિસ્તાની ખેલાડી વિદેશમાં ટીમ છોડીને ગુમ થયો હોય. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી છે. પાકિસ્તાની ખેલાડીઓ સારા ભવિષ્ય માટે દેશ પરત જવાથી ઇનકાર કરે છે.
“ઝોહૈબનું વર્તન ફેડરેશન અને દેશ માટે શરમજનક”
પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશનના સેક્રેટરી કર્નલ નાસિર અહેમદે આ મામલે કહ્યું હતું કે, “ઝોહૈબ રાશિદ ઓલિમ્પિક ક્વાલિફાઈંગ ટુર્નામેન્ટ રમવા માટે પાંચ સભ્યોની પાકિસ્તાની ટીમ સાથે ઈટાલી પહોંચ્યો હતો. પરંતુ તેણે જે વર્તન કર્યું છે તે ફેડરેશન અને દેશ માટે શરમજનક છે. પોલીસને માહિતી આપવામાં આવી છે, જે તેને શોધી રહી છે, પરંતુ તે કોઈના સંપર્કમાં નથી.” તેઓએ વધુમાં કહ્યું, “આ ઘટના ત્યારે બની જયારે મહિલા બોક્સર લૌરા ઇકરામ ટ્રેનિંગ માટે ગઈ હતી. આ દરમિયાન ઝોહૈબે રિસેપ્શનમાંથી તેના રૂમની ચાવી લઈને તેના પર્સમાં રાખેલ વિદેશી ચલણની ચોરી કરી હતી. આ ઘટના બાદથી તે ગાયબ છે. હાલ તેની શોધખોળ ચાલી રહી છે.” ઝોહૈબ રાશિદને પાકિસ્તાની બોક્સિંગનો ઉભરતો સ્ટાર માનવામાં આવતો હતો. તેણે ગયા વર્ષે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.