ભારતને ભડકાવવાના નાપાક પ્રયાસ નિષ્ફળ! PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર, ICCનો નિર્ણય
Champions Trophy 2025 : આગામી વર્ષે યોજનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને આઈસીસીએ મોટો નિર્ણય લીધો છે. આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે, પરંતુ બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને ત્યાં મોકલવાનો ઈનકાર કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 16 નવેમ્બરે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂર માટે પાકિસ્તાને ગેરકાયદે રીતે કબજે કરેલા કાશ્મીર (PoK)ના ત્રણ શહેરની પસંદગી કરી હતી, જેના પર આઈસીસીએ મનાઈ ફરમાવી દીધી છે. પાકિસ્તાને ભારતને ભડકાવવા માટે જાણી જોઈને જ ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂર માટે PoKના ત્રણ શહેરની પસંદગી કરી હતી.
PoK ના ત્રણ શહેરોમાં ટ્રોફી લઇ જવાનું પાકિસ્તાનનું આયોજન હતું
હકીકતમાં પાકિસ્તાન સરકાર ચેમ્પિયન્સ ટ્રોફીને 16થી 24 નવેમ્બરની વચ્ચે સમગ્ર પાકિસ્તાનમાં લઈ જવાની હતી. એટલું જ નહીં, આ ટ્રોફીને વિશ્વના બીજા સૌથી ઊંચા પર્વત શિખર K2 પર પણ લઈ જવાનું આયોજન હતું. આ માટે પાકિસ્તાન સરકારે પીઓકેના ના ત્રણ શહેરો સ્કાર્દુ, મુરી અને મુઝફ્ફરાબાદમાં લઈ જવાનું નક્કી કર્યું હતું. જો કે, આ અંગે BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)એ ICC સમક્ષ ફરિયાદ કરી હતી. જેને પગલે આ ટ્રોફી પીઓકેમાં લઈ જવા પર જ પ્રતિબંધ મૂકી દેવાયો છે.
ધુમ્મસ અને પ્રદુષણને કારણે ટ્રોફી આ શહેરોમાં પણ નહી લઇ જઈ શકાય
મળતી માહિતી અનુસાર પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ તૈયાર કરી લીધું છે. આ મુજબ ટુર્નામેન્ટની તમામ મેચો પાકિસ્તાનના ત્રણ સ્થળો લાહોર, કરાચી અને રાવલપિંડીમાં યોજાવાની છે. ત્રણેય શહેરોમાં વધુ પડતી ધુમ્મસ અને પ્રદૂષણને કારણે અહીં ટ્રોફી લઇ જવામાં આવશે નહીં. બીજી તરફ ટ્રોફી પાકિસ્તાન મોકલવાને લઈને CCએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, યજમાન હોવાના કારણે આ ટ્રોફીનો સત્તાવાર પ્રવાસ છે. જો કે ટુર્નામેન્ટ ત્યાં યોજાશે તે હજુ નિશ્ચિત માની શકાય નહીં.