ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનની ટીમે રચ્યો ઇતિહાસ, દ.આફ્રિકાનું ઘરઆંગણે પહેલીવાર વ્હાઈટવૉશ
PAK Vs SA : દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ત્રીજી વનડે મેચમાં પાકિસ્તાની ટીમે ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 36 રનથી જીતી લીધી હતી. પાકિસ્તાને ત્રણ મેચની વનડે સીરિઝ 3-0થી જીતીને દક્ષિણ આફ્રિકાનું વ્હાઈટવૉશ કરી દીધું હતું. વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને સઈમ અયુબની શાનદાર બેટિંગ અને સુફિયાન મુકીમની શાનદાર બોલિંગના આધારે આ જીત હાંસલ કરી હતી.
પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ક્લીન સ્વીપ કર્યું
આ સાથે જ આગામી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન દક્ષિણ આફ્રિકાને ઘરઆંગણે ક્લીન સ્વીપ કરનાર પહેલી ટીમ બની ગઈ છે. વરસાદના કારણે આ મેચ 47 ઓવરની કરી દેવામાં આવી હતી. પહેલી બેટિંગ કરતા ઉતરેલી પાકિસ્તાની ટીમે 9 વિકેટ ગુમાવીને 308 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 271 રન જ બનાવી શકી હતી અને મેચ હારી ગઈ હતી. અયુબને તેની શાનદાર સદીની ઇનિંગ રમવા માટે 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 94 બોલમાં 101 રન બનાવ્યા હતા. જેમાં તેણે ઇનિંગમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ કર્યો હતો.
ટેમ્બા બાવુમા કેપ્ટન તરીકે ફરી નિષ્ફળ
દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા ફરી એકવાર ટીમને મેચ જીતાડવામાં નિષ્ફળ રહ્યો હતો. માત્ર 8 રમ કરી નસીમ શાહેએ તેની વિકેટ ઝડપી હતી. આ સિવાય બીજો ઓપનર ટોની ડીજ્યોર્જને શાહીન શાહ આફ્રિદીએ પોતાના જ બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો. સુફિયાન મુકીમે એડન માર્કરામને પોતાનો પહેલો શિકાર બનાવીને દક્ષિણ આફ્રિકાને ત્રીજો ઝટકો આપ્યો હતો. માર્કરમે માત્ર 19 રન બનાવી પવેલિયન પરત ફર્યો હતો. હેનરિક ક્લાસેનનું બેટ ફરી એકવાર ચાલ્યું હતું અને તેણે એક છેડેથી ઝડપથી રન બનાવ્યા હતા. તેણે 43 બોલમાં 12 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા. જો કે, આ વખતે પણ તેને બીજા છેડેથી સમર્થન મળ્યું ન હતું.
મુકીમે ઝડપી ચાર વિકેટ
ડેવિડ મિલર માત્ર ત્રણ રન અને માર્કો યાનસેન 26 રન બનાવીને આઉટ થયો હતો. શાહીન દ્વારા ક્લાસને પોતાનો શિકાર બનાવ્યો હતો. કોર્બિન બોશ 40 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. પરંતુ તે પણ ટીમને જીતાડી શક્યો ન હતો. પાકિસ્તાન તરફથી મુકીમે ચાર વિકેટ ઝડપી હતી. આફ્રિદી અને નસીમને બે-બે વિકેટ મળી હતી. મોહમ્મદ હસનૈન અને અયુબને એક-એક સફળતા મળી.
પાકિસ્તાની બેટરોનું શાનદાર પ્રદશન
આ મેચમાં પહેલા બેટિંગ કરવા આવેલા પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અબ્દુલ્લા શફીક ગોલ્ડન ડકનો શિકાર થઇ ગયો હતો. કાગિસો રબાડાએ તેને પહેલી જ ઓવરના બીજા બોલ પર શફીકને પેવેલિયન ભેગો કરી દીધો હતો. જો કે, આ પછી બાબર આઝમ અને અયુબે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ મળીને 114 રનની ભાગીદારી કરી હતી. બાબર આઝમને 52ના અંગત સ્કોર પર ક્વીન મફાકાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. પછી અયુબને ફરી મોહમ્મદ રિઝવાન સાથે મળીને ટીમનો સ્કોર 208 રન સુધી પહોંચાડ્યો હતો.