13 ખેલાડીની તબિયત લથડતાં પાકિસ્તાન સુપર લીગમાં હોબાળો, પ્લેઈંગ-11 નક્કી કરવાના ફાંફા થયા
કરાચીની ટીમના 13 ખેલાડીઓએ ફૂડ પોઈઝનિંગની ફરિયાદ કરી હતી
image : Twiiter |
Pakistan Super League 2024: હાલમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) 2024 સીઝન રમાઈ રહી છે. પરંતુ આ દરમિયાન ગુરુવારે PSLમાં જોરદાર હોબાળો થયો જ્યારે કરાચી કિંગ્સની ટીમના 13 ખેલાડીઓ મેચ પહેલા અચાનક બીમાર પડી ગયા હતા. દરેકને પેટમાં દુઃખાવો અને વોમિટની ફરિયાદ હતી.
પ્લેઈંગ-11 માંડ માંડ નક્કી થયું
ગુરુવારે પીએસએલમાં કરાચી કિંગ્સ ટીમનો સામનો ક્વેટા ગ્લેડીયેટર્સ સાથે થયો હતો. ક્વેટાએ આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. પરંતુ તે જ દિવસે મેચ પહેલા કરાચીની ટીમના 13 ખેલાડીઓએ ફૂડ પોઈઝનિંગની ફરિયાદ કરી હતી. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટને પ્લેઇંગ 11 પસંદ કરવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.
મેચ પહેલા 13 ખેલાડીઓ બીમાર પડ્યા હતા
ઉલ્લેખનીય છે કે એકસાથે 13 ખેલાડી માંદા પડતાં ફક્ત 7 ખેલાડી બચી ગયા હતા. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ 13 ખેલાડીઓમાંથી એકની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. જોકે, ટીમ મેનેજમેન્ટને પણ આશા હતી કે મેચ શરૂ થાય ત્યાં સુધીમાં તમામ ખેલાડીઓ ઠીક થઈ જશે. તેમની અપેક્ષા અમુક અંશે સાચી સાબિત થઈ. કેપ્ટન શાન મસૂદ, શોએબ મલિક અને હસન અલી સહિત કેટલાક ખેલાડીઓને સારું લાગ્યું અને તેઓ પણ મેદાનમાં આવ્યા. પરંતુ આ બધું હોવા છતાં કરાચીની ટીમે તેના પ્લેઈંગ-11માં 4 ફેરફાર કરવા પડ્યા.