VIDEO : પાકિસ્તાનના સ્ટાર બોલરની ફરી ધોલાઈ, છેલ્લી ઓવરમાં કેરેબિયન બેટરે મોટો ટારગેટ ચેઝ કર્યો
Caribbean Premier League 2024: તાજેતરમાં બાંગ્લાદેશ સામેની મેચમાં પાકિસ્તાનની ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઘણાં સમયથી ટીમના બેટર હોય કે બોલર બધા જ ખરાબ દેખાવ કરી રહ્યા છે. ટીમ હાલના સમયમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી રહી રહી છે. ટીમના બોલરોએ છેલ્લી અનેક ટુર્નામેન્ટમાં કોઈ અદ્ભુત પ્રદર્શન કર્યું નથી.
આ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝમાં યોજાઈ રહેલી કેરેબિયન પ્રીમિયર લીગમાં પાકિસ્તાનના એક બોલરની જોરદાર ધોલાઈ થઈ હતી. આ બોલરની ખરાબ બોલિંગના કારણે તેની ટીમે જીતેલી મેચ ગુમાવવી પડી હતી. આ બોલર બીજું કોઈ નહીં પણ મોહમ્મદ આમીર છે. આમીરે અગાઉ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તાજેતરમાં જ તે પાછો ફર્યો હતો અને પાકિસ્તાન માટે વર્લ્ડકપ પણ રમ્યો હતો.
કેરેબિયન પ્રીમિયર લીગમાં એન્ટિગુઆ અને બાર્બુડા ફાલ્કન્સ અને ગુયાના એમેઝોન વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં એન્ટિગુઆ અને બાર્બુડા ફાલ્કન્સ ટીમ ખૂબ જ સારી સ્થિતિમાં હતી. સામે ગુયાના એમેઝોન વોરિયર્સને જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી અને તેમણે 7 વિકેટ ગુમાવી દીધી હતી. એવું જણાઈ રહ્યું હતું કે એન્ટિગુઆ અને બાર્બુડા ફાલ્કન્સ આ મેચ સરળતાથી જીતી જશે. પરંતુ મોહમ્મદ આમીરે પોતાની બોલિંગ દ્વારા ટીમને મેચ હરાવી દીધી. ગુયાના એમેઝોન વોરિયર્સના ડ્વેન પ્રિટોરિયસે છેલ્લી ઓવરમાં 18 રન ફટકારીને ટીમને 3 વિકેટેથી મેચ જીતાડી દીધી હતી.
આ પણ વાંચો: આ ક્રિકેટરે કર્યા પોતાની જ બહેન સાથે લગ્ન, ટીવી ચેનલ પર જણાવ્યું કારણ
એન્ટિગુઆની ટીમે પહેલા બેટિંગ કરતાં 6 વિકેટ ગુમાવી 168 રન કર્યા હતા. મેચની છેલ્લી ઓવર ફેંકવા આવેલ મોહમ્મદ આમીરના પહેલા બોલ પર ડ્વેન પ્રિટોરિયસે કોઈ રન કર્યો ન હતો. પરંતુ ત્યારબાદ તેણે બીજા અને ત્રીજા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી આમીરે આગલા બોલ પર ડોટ બોલ ફેંક્યો જેના કારણે મેચ ખૂબ જ રોમાંચક બની ગઈ હતી. હવે અહીંથી ગુયાના એમેઝોન વોરિયર્સને છેલ્લા બે બોલમાં 8 રનની જરૂર હતી. ડ્વેને શાનદાર દેખાવ કરતાં ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો અને છઠ્ઠા બોલ પર છગ્ગો ફટકારી 169 રનના લક્ષ્યને પ્રાપ્ત કરી લીધો હતો.