ગિલ તો શું ભારતના એક એક ખેલાડીને જોઈ લઈશું, મેચ પહેલા પાકિસ્તાની ખેલાડીની બડાશ
Pakistan Player boasts against India before Match : ભારત સામેની મેચ માટે પાકિસ્તાનની ટીમ દુબઈ પહોંચી ગઈ છે. ત્યાં પહોંચતાની સાથે જ પાકિસ્તાની ખેલાડીઓએ પોતાનો ઘમંડ બતાવવાનું શરૂ કરી દીધું. હકીકતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ હાઇ-વોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાની ફાસ્ટ બોલર હરિસ રૌફે પોતાના તેવર બતાવવાના શરુ કર્યા છે. તેમણે ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીને ટાર્ગેટ કરવાનું કહ્યું હતું. એટલું જ નહીં, તેઓએ દુબઈમાં ટીમ ઈન્ડિયાને ફરીથી હરાવવાની ચેતવણી પણ આપી છે. રૌફનું કહેવું છે કે, ભારત સામેની મહત્ત્વપૂર્ણ મેચ પહેલા બધા ખેલાડીઓ ખૂબ રિલેક્સ છે. તેમના માટે આ બીજી કોઈપણ મેચ જેવું જ છે. રૌફની આ ઘમંડીતા બાંગ્લાદેશની જેમ પાકિસ્તાન માટે મોંઘી સાબિત થઈ શકે છે.
પાકિસ્તાની ખેલાડીઓની બડાશ
દુબઈ પહોંચ્યા બાદ હરિસ રૌફે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેને ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલ વિરુદ્ધ પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું. ત્યારે તેના જવાબમાં તેણે કહ્યું કે, 'અમે માત્ર શુભમન ગિલને જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીને જોઈશું અને તેમને ટાર્ગેટ કરીશું.' અમે મેદાનમાં જઈને પિચ જોઈશું અને પછી તે પ્રમાણે તેમની સામે પ્લાનિંગ કરીશું.
'અમે આ મેદાન પર ભારતને બે વાર હરાવ્યું છે'
રૌફે વધુમાં કહ્યું, 'અમે આ મેદાન પર ભારતને બે વાર હરાવ્યું છે. આ વખતે પણ અમારો ઉદ્દેશ્ય ફરી ભારતને હરાવી એ પ્રદર્શનનું પુનરાવર્તન કરીશું. મને વિશ્વાસ છે કે અમારી ટીમ આ કામ કરવામાં કામયાબ રહેશે અને તમને એક સારી મેચ જોવા મળશે.'
આ પણ વાંચો : 10 વર્ષ બાદ ફરી આ લીગમાં સાથે રમશે સચિન અને યુવરાજ, ગુજરાતમાં પણ રમાશે એક મેચ
હરિસ રૌફના નિવેદનથી ખ્યાલ આવે છે કે, ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ પાકિસ્તાની ટીમ દુબઈમાં તેની અગાઉની સફળતાના આધારે પોતાને મોટિવેટ કરવાની કોશિશ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાને દુબઈના મેદાન પર T20 વર્લ્ડ કપ અને એશિયા કપમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, બંને ટી20 મેચ હતી. ICC ODI ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે સારું પ્રદર્શન કરી રહી છે, અને હજુ પણ તેનું પલ્લું ભારે છે.