PAK vs AUS : બે દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી થતાં જ પાકિસ્તાનની હાર, પહેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે આપ્યો પરાજય
PAK Vs AUS, 1st ODI : પહેલી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 2 વિકેટથી હરાવી દીધું છે. મેલબોર્નમાં રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 203નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 99 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.
બાબર અને શાહીન પણ ટીમને જીત ન અપાવી શક્યા
પરત ફરેલા શાહીન શાહ આફ્રિદીએ 2 મહત્ત્વની વિકેટ ઝડપી હતી. આ મેચમાં બાબર આઝમ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જેણે 37 રન બનાવ્યા હતા. પરંતુ તે પણ ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો. પાકિસ્તાનના આ બંને સ્ટાર ખેલાડીઓ સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યા હોવાથી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં તેમને પડતા મૂકવામાં આવ્યા હતા. હવે તેઓ પાછા ફર્યા હોવા છતાં પણ ટીમને જીતાડી શક્યા ન હતા. હવે તેમને ફરીથી ટીમમાં સામેલ કરવા અંગે અનેક સવાલો થઇ રહ્યા છે.
ઓસ્ટ્રેલિયન ટીમની ખરાબ શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. મેથ્યુ શોર્ટ અને જેક ફ્રેઝર મેકગર્ક 28 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સ્ટીવ સ્મિથ અને જોશ ઇંગ્લિશએ ટીમની કમાન સંભાળી હતી. જેમની વચ્ચે 85 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. પરંતુ સ્ટીવ સ્મિથ 44 રન બનાવીને આઉટ થતાં જ ઓસ્ટ્રેલિયાએ 26 રનની અંદર આગલી 4 વિકેટ ગુમાવી દીધી હતી.
કેપ્ટન પેટ કમિન્સે રમી શાનદાર ઇનિંગ
આ મેચમાં પાકિસ્તાન પુનરાગમન કરી ચૂક્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ તેની જીતના માર્ગમાં અવરોધ બની ગયો હતો. કમિન્સે 32 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. તેના સિવાય જોશ ઈંગ્લિશે 49 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી હેરિસ રઉફે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.