ટી 20 વર્લ્ડકપ: ભારત માટે સૌથી મોટો ખતરો છે પાકિસ્તાન, પૂર્વ દિગ્ગજ ખેલાડીએ કેમ કહ્યું આવું?
Image: Twitter
T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાના ટી20 વર્લ્ડ કપ વિજેતા ખેલાડી એસ શ્રીસંતે મોટું નિવેદન આપ્યું છે. તેનું માનવું છે કે ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ માટે સૌથી મોટું જોખમ પાડોશી દેશ પાકિસ્તાન છે.
41 વર્ષીય ક્રિકેટરનું કહેવું છે કે તેમના સ્પિનર જે રીતે નવા બોલને અંદરની તરફ ફેરવે છે તે ભારતીય ટીમ માટે જોખમ સાબિત થઈ શકે છે. તેમણે ઉદાહરણ તરીકે સમજાવ્યું કે આઈપીએલ દરમિયાન આપણે જોયુ યશસ્વી જયસ્વાલ અંદરની તરફ આવતા બોલ પર ખૂબ પરેશાન નજર આવી રહ્યો હતો. તેથી મને લાગે છે કે આ તે ટીમ છે જે ભારતીય ટીમ માટે જોખમ પેદા કરી શકે છે.
શ્રીસંતે પોતાની વાતને આગળ વધારતાં કહ્યું કે પાકિસ્તાની ખેલાડી યુએસમાં રમાતી ઘણી લીગમાં હાજરી આપે છે. દરમિયાન તેને ત્યાં રમવાનો અનુભવ પણ છે. શ્રીસંતે મોહમ્મદ આમિરનું નામ લેતા કહ્યું કે તેની પાસે ખૂબ સારો અનુભવ છે. તે તાજેતરમાં જ અંબાતી રાયડૂ સાથે પણ રમ્યો છે. તે અમારી વિરુદ્ધ પણ રમી ચૂક્યા છે. ટીમને તેનો અનુભવ ખૂબ કામ આવશે.
ગ્રૂપ 'એ' માં છે ભારત
ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમને ગ્રૂપ એ માં રાખવામાં આવી છે. ટીમ ઈન્ડિયા સિવાય આ ટીમમાં પાકિસ્તાન પણ છે. ટુર્નામેન્ટમાં બંને ટીમની પહેલી ટક્કર 9 જૂને થશે. જો ગ્રૂપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાનનું પ્રદર્શન શ્રેષ્ઠ રહે છે તો તે સુપર 8 માં પણ સામ-સામે થઈ શકે છે.