ભારતની કમાણી જોઈને ચીડાય છે પાકિસ્તાન...એટલે જ ICCના રેવન્યુ મોડેલમાં ઇચ્છે છે ધરખમ ફેરફાર
Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યુલ અને વેન્યુ પર સસ્પેન્સ યથાવત્ છે. આ ટુર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને મળી હતી, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ સુરક્ષાના કારણોસર પાડોશી દેશનો પ્રવાસ નહીં કરે. ભારત સરકારે ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી નથી આપી. આ કારણોસર પાકિસ્તાનની ધરતી પર આ આખી ટુર્નામેન્ટનું આયોજન અંસભવ છે. હવે ICC 'હાઇબ્રિડ મોડલ' હેઠળ આ ટુર્નામેન્ટનું આયોજન કરવા માગે છે.
ICCએ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં મોહસીન નકવીને સ્પષ્ટ કહી દીધું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) કાં તો 'હાઇબ્રિડ મોડલ' અપનાવે અથવા ટુર્નામેન્ટમાંથી બહાર થવા માટે તૈયાર રહે. PCB ચીફ નકવી 'હાઇબ્રિડ મોડલ' માટે રાજી છે, પરંતુ કેટલીક શરતો સાથે. PCBની સૌથી મોટી શરત એ છે કે ICC પોતાના રેવન્યૂમાં પાકિસ્તાનનો હિસ્સો 5.75%થી વધારે. આ એક એવી શરત છે જે આખી ગેમ બગાડી શકે છે.
રેવન્યુ ભાગીદારીથી નારાજ છે PCB
ICC પોતાના વર્તમાન રેવન્યુ મોડલ (2024-27) હેઠળ વાર્ષિક 60 કરોડ ડૉલર(લગભગ રૂ. 5073 કરોડ)નું વિતરણ કરી રહી છે. ICCના રેવન્યુમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને સૌથી વધુ 38.50% (લગભગ 1953 કરોડ રૂપિયા વાર્ષિક) હિસ્સો મળી રહ્યો છે. જ્યારે ઍસોસિયે દેશોની ભાગીદારી 11.19% છે. ઇંગ્લૅન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને દર વર્ષે અનુક્રમે 6.89%, 6.25% અને 5.75% હિસ્સો મળી રહ્યો છે.
આ પણ વાંચો: પાકિસ્તાનને ભારે પડશે જીદ! ચેમ્પિયન્સ ટ્રોફીથી બહાર થવાનો ખતરો, થશે કરોડોનું નુકસાન
જો જોવામાં આવે તો પાકિસ્તાનના હિસ્સામાં દર વર્ષે અંદાજે 291 કરોડ રૂપિયા આવી રહ્યા છે. પાકિસ્તાનને મળતા હિસ્સાથી તે નારાજ રહ્યું છે. ભારતને પાકિસ્તાન કરતાં 7 ગણા વધુ પૈસા મળી રહ્યા છે, જે એકદમ યોગ્ય છે. ભારત ક્રિકેટનું સૌથી મોટું બજાર છે અને ICC રેવન્યુમાં તેનો ફાળો ઘણો વધારે છે. આવી સ્થિતિમાં ICCનું વર્તમાન રેવન્યુ મોડલ ઘણી હદ સુધી યોગ્ય છે.
PCB હવે ICCની આવકમાં તેનો હિસ્સો 5.75%થી વધારવા માગે છે, જે હાલમાં અશક્ય લાગી રહ્યું છે. જો PCB આવકનો હિસ્સો વધારવા પર અડગ રહેશે તો ICC પાકિસ્તાન વગર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી શકે છે. જો કે, આનાથી ICCની પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે અને નાણાકીય નુકસાન પણ થઈ શકે છે.
ICCનું હાલનું રેવન્યૂ મોડેલ
દેશ |
રેવન્યુ શેર (મિલિયન ડૉલરમાં) |
રેવન્યુમાં હિસ્સો (%માં) |
ભારત |
231.00 |
38.50 |
ઍસોસિયેટ નેશન્સ |
67.16 |
11.19% |
ઇંગ્લૅન્ડ |
41.33 |
6.89% |
ઓસ્ટ્રેલિયા |
37.53 |
6.25% |
પાકિસ્તાન |
34.51 |
5.75% |
ન્યુઝીલૅન્ડ |
28.38 |
4.73% |
વેસ્ટ ઇન્ડિઝ |
27.50 |
4.58% |
શ્રીલંકા |
27.12 |
4.52% |
બાંગ્લાદેશ |
26.74 |
4.46% |
દક્ષિણ આફ્રિકા |
26.24 |
4.37% |
આયર્લૅન્ડ |
18.04 |
3.01% |
ઝિમ્બાબ્વે |
17.64 |
2.94% |
અફઘાનિસ્તાન |
16.82 |
2.80% |
PCBની એક શરત એ પણ છે કે, 2031 સુધીમાં ભારતમાં યોજાનારી ICC ટુર્નામેન્ટમાં 'હાઇબ્રિડ મોડલ' લાગુ કરવામાં આવે, જે શક્ય નથી લાગી રહ્યું, તેનો અર્થ એ છે કે પાકિસ્તાન આ સમયગાળા દરમિયાન ભારતમાં આવીને ICC ટુર્નામેન્ટમાં રમવા નથી માગતું. ભારતે 2031 સુધીમાં ત્રણ ICC પુરુષોની ટુર્નામેન્ટની યજમાની કરવાની છે, જેમાં શ્રીલંકા સાથે મળીને 2026 T20 વર્લ્ડ કપ, 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને બાંગ્લાદેશ સાથે મળીને 2031 ODI વર્લ્ડ કપનું આયોજન સામેલ છે.
આ પણ વાંચો: KKR ને મળી ગયો 'કેપ્ટન'! ભારતીય દિગ્ગજ પર દાવ લગાવવાની તૈયારી, દમદાર છે રેકોર્ડ
PCBની બીજી શરત એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ માટે લાહોરને બેકઅપ તરીકે રાખવામાં આવે. અને જો ભારત ફાઇનલમાં ન પહોંચે તો ફાઇનલ મુકાબલો લાહોરમાં યોજવામાં આવે. જો પાકિસ્તાન 'હાઇબ્રિડ મોડલ' સ્વીકારશે તો ભારત સામેની મેચ દુબઈમાં યોજાશે. જ્યારે બાકીની મેચો પાકિસ્તાનમાં યોજાશે અને પાકિસ્તાન પાસે હોસ્ટિંગનો અધિકાર રહેશે. જો ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવે તો PCBને 60 લાખ ડૉલર (રૂ. 50.73 કરોડ)ની હોસ્ટિંગ ફીથી હાથ ધોવા પડશે.