ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઇન્ડિયાને રમવા બોલાવવા પાકિસ્તાને આપ્યો 'નવો વિકલ્પ'
Champions Trophy 2025 : આગામી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાશે. પરંતુ તે પહેલા શું ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા જશે જે નહીં? કારણ કે ભારતીય ટીમ પાકિસ્તાન રમવા માટે આવે તેવા દરેક પ્રયાસ પાકિસ્તાન કરી રહ્યું છે. ત્યારે હવે તેણે ભારતને આવવા માટે એક નવો વિકલ્પ પણ આપ્યો છે. પાકિસ્તાને સૂચન આપ્યું છે કે, ભારતીય ટીમે પાકિસ્તાન રમવા આવવું જોઈએ, પછી ભલે ટીમ પાકિસ્તાનમાં મેચ રમીને ચંદીગઢ અથવા દિલ્હી પાછી ફરી જાય.
એસ જયશંકરની પાકિસ્તાનની મુલાકાત દરમિયાન થઈ આ અંગે ચર્ચા!
તાજેતરમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની પાકિસ્તાનની મુલાકાત દરમિયાન આ અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું. એક અહેવાલ અનુસાર, એસ. જયશંકર અને પાકિસ્તાની વિદેશ મંત્રી ઇશાક ડાર વચ્ચેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાતચીત દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવી પણ આ બેઠકમાં સામેલ થયા હતા.
પાકિસ્તાને ભારતને કરી આ ઓફર
હજુ સુધી ભારત સરકારે નક્કી કર્યું નથી કે ભારતીય ટીમ ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જશે કે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) પણ આ વાતની પુષ્ટિ કરી નથી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, PCBએ BCCIને પત્ર લખીને ઓફર કરી છે. પીસીબીનું કહેવું છે કે જો ભારતીય ટીમ સુરક્ષાની ચિંતાઓને કારણે પાકિસ્તાનમાં આવવાનું ટાળવા માંગે છે, તો તે દરેક મેચ બાદ ચંદીગઢ અથવા દિલ્હી પરત ફરી શકે છે.
ભારતની તમામ મેચ લાહોરમાં યોજવાનું આયોજન
PCBના એક અધિકારીએ જણાવ્યું છે કે, બન્ને મેચો વચ્ચે લગભગ એક સપ્તાહનું અંતર છે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી યોજાવવાની છે. જેની મેચ લાહોર, રાવલપિંડી અને કરાચીમાં યોજાશે. સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને PCBએ ભારતની તમામ મેચ લાહોરમાં યોજવાનું આયોજન કર્યું છે. લાહોરને સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું કારણ કે તે ભારતીય સરહદની નજીક છે. અને ભારતીય ચાહકો માટે મેચ જોવા આવવાનું સરળ રહેશે.
અન્ય કોઈ સ્થળે મેચ આયોજિત થઈ શકે!
ભારતની ત્રણ મેચો 20 ફેબ્રુઆરી (બાંગ્લાદેશ સામે), 23 ફેબ્રુઆરી (પાકિસ્તાન સામે) અને 2 માર્ચ (ન્યૂઝીલૅન્ડ સામે) છે. આ શેડ્યુલને લઈને કેટલાક અપડેટ્સ સામે આવ્યા છે. ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારી ટીમોને શેડ્યુલ આપી દીધું છે. તાજેતરમાં પાકિસ્તાની મીડિયામાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે, જેમાં આઇસીસીને ભારતની એક મેચ, ખાસ કરીને ભારત-ન્યૂઝીલૅન્ડની મેચને અન્ય કોઈ સ્થળે શિફ્ટ કરવાની વિનંતી કરવાની વાત કરવામાં આવી હતી. PCBએ રાવલપિંડીને વિકલ્પ તરીકે પ્રસ્તાવિત કર્યો છે. જો કે, બ્રોડકાસ્ટર અને આઇસીસીના અધિકારીઓએ આવી વિનંતી અંગે કોઈ જાણકારી હોવાનો ઇન્કાર કર્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભાગીદારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
અંતિમ નિર્ણય ભારત સરકાર લેશે
સન 1996ના વર્લ્ડકપ બાદ પાકિસ્તાન પહેલીવાર કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇવેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી એ ICC ઇવેન્ટ છે. જો કે, પાકિસ્તાનમાં રમવાના નિર્ણય પર BCCIએ ઘણી વખત કહ્યું છે કે, આ અંગેનો અંતિમ નિર્ણય ભારત સરકાર લેશે. 2023 વનડે એશિયા કપ દરમિયાન ભારતે 'હાઇબ્રિડ મોડલ'ના આધારે શ્રીલંકામાં પોતાની મેચ રમી હતી. નિર્ધારિત શેડ્યુલ અનુસાર સંભવિત સેમિ ફાઇનલ અને ફાઇનલ સહિત ભારતની તમામ મેચો લાહોરમાં રમાઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી માર્ચે મેચ રમાશે.
હાઇબ્રિડ મોડલ પર વિચાર!
ગત વર્ષે ભારતે પાકિસ્તાનમાં એશિયા કપ રમવા માટે પોતાની ટીમ મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ આ ઇવેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજી હતી. જેમાં ભારતની મેચો શ્રીલંકામાં યોજાઈ. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમના પાકિસ્તાન જવાની ઘણી ઓછી શક્યતા છે. કારણ કે ભારત સરકાર દ્વારા આખરી નિર્ણય લેવાનો બાકી છે. તાજેતરમાં આવેલા એક અહેવાલ અનુસાર, હાઇબ્રિડ મોડલ પર વિચાર થઈ શકે છે. એશિયા કપની જેમ ભારત તેની મેચ યુએઈ અથવા શ્રીલંકામાં રમી શકે છે.
ઘણાં સમયથી ભારત પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મર્યાદિત ઓવરોની મેચ રમાઈ નથી
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી વખત 2012-13માં દ્વિપક્ષીય મર્યાદિત ઓવરોની(50 ઓવરની) સીરિઝ રમાઈ હતી. જેમાં પાકિસ્તાને ભારતનો પ્રવાસ કર્યો હતો. આ જ સમયગાળા દરમિયાન 2 મેચની T20 સીરિઝ પણ રમાઈ હતી. ભારતે છેલ્લે 2007માં પાકિસ્તાનમાં ટેસ્ટ સીરિઝ રમી હતી. પાકિસ્તાની ટીમ હાલમાં જ વનડે વર્લ્ડકપ દરમિયાન ભારત રમવા આવી હતી.