પાકિસ્તાને રચ્યો ઈતિહાસ: 22 વર્ષ બાદ ઑસ્ટ્રેલિયાની ધરા પર જીતી વન ડે સીરિઝ, આ બે ખેલાડી છવાયા
Pakistan Wins ODI Series Against Australia : પાકિસ્તાની ઝડપી બોલરોના શાનદાર પ્રદર્શન કરી ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચી દીધો છે. નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદીની ઘાતક બોલિંગને કારણે પાકિસ્તાને પર્થમાં રમાયેલી ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી દીધું હતું. આ સાથે પાકિસ્તાને ત્રણ મેચની સીરિઝ 2-1થી જીતી લીધી હ્તુઈ. પાકિસ્તાને 22 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં વનડે સીરિઝ જીતી છે.
નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદીએ 3-3 વિકેટ લીધી
ત્રણ મેચની વનડે સીરિઝની નિર્ણાયક મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદીએ 3-3 વિકેટ લીધી હતી. સામે જવાબમાં પાકિસ્તાને 26.5 ઓવરમાં લક્ષ્યને હાંસલ કરી લીધું હતું. બેટિંગમાં સામ અયુબે 42 રન, અબ્દુલ્લા શફીકે 37 રન, બાબર આઝમે અણનમ 28 અને મોહમ્મદ રિઝવાને અણનમ 30 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના બેટરો ઢેર
આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે એકદમ યોગ્ય સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયા માટે ઓપનીંગ કરવા આવેલા જેક ફ્રેઝર મેકગર્કે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. નસીમ શાહે તેણે આઉટ કર્યો હતો. તેણે 9 બોલમાં એક ચોગગાની મદદથી માત્ર સાત રન જ બનાવ્યા હતા.
સીરિઝમાં એક પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી નથી કરી શક્યો ફિફ્ટી
આ પછી ત્રીજા નંબર પર એરોન હાર્ડી અને કેપ્ટન જોશ ઈંગ્લિશે ફરી એકવાર નિરાશ કર્યા હતા. બંને અનુક્રમે 12 અને 7 રન કરી આઉટ થઇ ગયા હતા. ટોપ ઓર્ડરના સંપૂર્ણ ફ્લોપ થયા પછી છેલ્લી આશા માર્કસ સ્ટોઇનિસ અને ગ્લેન મેક્સવેલ પાસેથી હતી. પરંતુ આ બંને દિગ્ગજો પણ પાકિસ્તાની બોલરો સામે ટકી શક્યા ન હતા. સ્ટોઈનિસ આઠ રન અને મેક્સવેલ પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાનો કોઈ પણ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નથી.