પાકિસ્તાનની બાંગ્લાદેશ સામે શરમજનક હાર બાદ PCB ચેરમેન અકળાયા, આખી ટીમને આપી દીધી ધમકી
Pakistan Cricket Team: પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે આજકાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ટીમને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારના કારણે પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર્સ અને ફેન્સ પણ નિરાશ છે. રાવલપિંડીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમ કંઈ ખાસ કરતબ બતાવી શકી ન હતી, જેના પરિણામે મહેમાન બાંગ્લાદેશી ટીમે શાનદાર જીત નોંધાવીને ઈતિહાસ રચ્યો હતો. હવે પાકિસ્તાન ક્રિકેટના અધ્યક્ષ મોહસિન નકવીએ ટીમમાં ફેરફારના સંકેત આપ્યા છે.
29 ઓગસ્ટ 2001ના રોજ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ રમી હતી. લગભગ 23 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટમાં હરાવ્યું હોય. આ દરમિયાન બંને દેશો વચ્ચે 14 ટેસ્ટ રમાઈ છે અને પાકિસ્તાને 12 ટેસ્ટ જીતી છે. એક ટેસ્ટ બાંગ્લાદેશે જીતી છે અને એક ડ્રો રહી છે. પાકિસ્તાન માટે ઘરઆંગણે આ બીજી શરમજનક હાર છે. ટીમે 4 માર્ચ, 2022 થી ઘરઆંગણે નવ ટેસ્ટ રમી છે અને પાંચ મેચ હારી છે. ચાર ટેસ્ટ ડ્રો થઇ હતી એટલે કે એકપણ મેચ ટીમ ઘરઆંગણે પણ જીતી શકી નહોતી.
અતિ આત્મવિશ્વાસમાં દાવ ડિક્લેર કર્યો
બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટ મેચમાં 10 વિકેટે જીત મેળવી હતી અને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને પ્રથમ દાવમાં છ વિકેટે 448 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં બાંગ્લાદેશે 565 રન બનાવીને 117 રનની લીડ મેળવી હતી. બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં પાકિસ્તાનને 146 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશે 30 રનનો સાવ નજીવો ટાર્ગેટ 10 વિકેટે હાંસલ કરી લીધો હતો.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવી પાકિસ્તાનની શરમજનક હાર પર અકળાયા હતા. તેમણે હવે ટીમમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે. સોમવારે જારી કરાયેલા એક નિવેદનમાં નકવીએ કહ્યું હતું કે, "હું પાકિસ્તાન ક્રિકેટની સમસ્યાઓને ઠીક કરવાના પ્રયાસ કરીશ. પછી ઈશ્વરની ઈચ્છા! આગામી દિવસોમાં ઘણા ફેરફારો આવવાના છે." પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને છેલ્લી ટેસ્ટ 30 ઓગસ્ટથી રાવલપિંડીમાં રમાશે.
જો કે આ પ્રકારની ઘટના પહેલી વખત નથી બની રહી. આ વર્ષે T20 વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાનની ટીમ તેના નિરાશાજનક પ્રદર્શનને કારણે બહાર થઈ ગઈ હતી. તે સમયગાળા દરમિયાન, ભારત સામેની હાર બાદ નકવીએ કહ્યું હતું કે "શરૂઆતમાં મને લાગતું હતું કે એક નાની સર્જરી પૂરતી હશે, પરંતુ આ ખરાબ પ્રદર્શન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે મોટા ફેરફારોની જરૂર છે. ટીમમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળશે." જો કે ત્યાર પછી છતાં પાકિસ્તાનની ટીમમાં કે ટીમના દેખાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ જ સિનિયર ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં શાન મસૂદની કપ્તાનીમાં રમ્યા હતા.
મસૂદે ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાનની ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી. હવે તેને સતત ચોથી ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. નકવીએ વધુમાં કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટમાં ઘણી બધી વસ્તુઓ બદલાશે અને પહેલા જેવી નહીં રહે.