એશિયા કપ પહેલા જ પાક ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડીઓમાં અસંતોષ, આવુ છે કારણ
નવી દિલ્હી,તા.14.ઓગસ્ટ,2022 રવિવાર
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
28 ઓગસ્ટે બંને ટીમો એક બીજા સાથે ભીડાશે. જોકે તે પહેલા પાકિસ્તાની ક્રિકેટમાં ઉથલ પાથલ મચી છે.પાકિસ્તાનના બોર્ડે ખેલાડીઓ સાથે જે નવો કોન્ટ્રાક્ટ કર્યો છે તેને લઈને સિનિયર ખેલાડીઓએ વિરોધ શરુ કર્યો છે.
પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ, શાહીન આફ્રિદી અને મહોમ્મદ રિઝવાન જેવા સ્ટાર ખેલાડીઓએ બોર્ડ સામે મોરચો ખોલ્યો છે અને કોન્ટ્રાક્ટમાં બદલાવ કરવાની માંગ કરી છે.
જોકે ખેલાડીઓએ કોન્ટ્રાક્ટ પર સહી એટલા માટે કરી છે કે, બોર્ડે તેમને એશિયા કપ બાદ આ મુદ્દે વાતચીત કરીને તેમાં ફેરફાર કરવાની ખાતરી આપી છે.
ભારતની જેમ પાકિસ્તાન બોર્ડ પણ ખેલાડીઓ પાસે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સાઈન કરાવે છે અને તેમાં અલગ અલગ ત્રણ કેટેગરી છે.આ વખતે બોર્ડે 33 કોન્ટ્રાક્ટનુ એલાન કર્યુ છે.
કોન્ટ્રાક્ટમાં જે શરતો મુકવામાં આવી છે તેમાં વિદેશી ટી-20 લીગમાં ભાગ નહીં લેવાની, આઈસીસી ઈવેન્ટસની તસવીરોના રાઈટ, આઈસીસીની ટુર્નામેન્ટની ફી, ખેલાડીઓના જાહેરાતના કોન્ટ્રાક્ટ જેવી બાબતો સામેલ છે.જેના પર ઘણા ખેલાડીઓને વાંધો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભલે કહી રહ્યુ હોય કે બધુ બરાબર છે પણ ખેલાડીઓ નાખુશ છે.જે પાક ટીમ માટે ચિંતાજનક છે.
પાક ક્રિકેટ બોર્ડ કોન્ટ્રાક્ટ અનુસાર ખેલાડીઓને એક ટેસ્ટ માટે આઠ લાખ, વન ડે માટે પાંચ લાખ અને ટી 20 માટે પોણા ચાર લાખ રુપિયા ચુકવે છે.