પાકિસ્તાનમાં જ યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી, ભારતને વાંધો હોય તો વાત કરેઃ PCB અધ્યક્ષ મોહસિન નકવી
PCB Chairman Mohsin Naqvi On Champions Trophy 2025 : આગામી સમયમાં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી યોજના અનુસાર પાકિસ્તાનમાં જ યોજાશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, જો ભારતને કોઈ વાંધો હોય તો તે PCB સાથે વાત કરીને ઉકેલ શોધી શકે છે.
અમે હાઇબ્રિડ મોડલ સ્વીકારીશું નહીં
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમની બહાર મીડિયાને સંબોધિત કરતા નકવીએ કહ્યું હતું કે, 'પાકિસ્તાનનું ગૌરવ અને સન્માન અમારી પ્રાથમિકતા છે. ચેમ્પિયન્સ ટ્રોફી આપણા દેશમાં જ યોજાશે. અમે હાઇબ્રિડ મોડલ સ્વીકારીશું નહીં. જો ભારતને કોઈ સમસ્યા હોય તો તે અમારી પાસે વાત કરી શકે છે, અને અમે તેનો ઉકેલ લાવીશું. અમે અમારી વાત પર મક્કમ છીએ. અમે ICC શક્ય તેટલી વહેલી તકે શિડ્યૂલ જાહેર કરે તેની રાહ જોઈ રહ્યા છીએ.'
રમત અને રાજકારણે એકબીજામાં દખલ ન કરવી જોઈએ
નકવીએ ICCને વિનંતી કરી હતી કે, 'ICCએ તેની વિશ્વસનીયતાનું ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે તે વૈશ્વિક સ્તરે તમામ દેશોની ક્રિકેટ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. કાર્યક્રમને ફરીથી તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ અમને કાર્યક્રમ રદ કરવાની કોઈ સૂચના મળી નથી. હું હજુ પણ માનું છું કે રમત અને રાજકારણે એકબીજામાં દખલ ન કરવી જોઈએ.'
ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય
અહીં તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે યજમાન બનાવવામાં આવ્યું છે. હાલમાં જ BCCIએ સ્પષ્ટતા કરી હતી કે, ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા પાકિસ્તાન નહીં જાય. બોર્ડે સુરક્ષાને ટાંકીને પાકિસ્તાન ન જવાની વાત કહી હતી. ત્યાર પછીથી પાકિસ્તાનની યજમાની પર ખતરો ઊભો થયો હતો. અને બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે ભારતીય ટીમ માટે હાઇબ્રિડ મોડલની માંગણી કરી હતી.
શું અન્ય દેશમાં યોજાઈ થઇ શકે છે ટુર્નામેન્ટ?
આ અંતર્ગત ભારતીય ટીમ પોતાની મેચ પાકિસ્તાનને બદલે બીજા કોઈ દેશમાં રમશે. જ્યારે અન્ય ટીમો તેમની મેચ પાકિસ્તાનમાં જ રમશે. એવી પણ ચર્ચા થઈ હતી કે જો પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન નહીં કરે તો દક્ષિણ આફ્રિકા ટુર્નામેન્ટનું આયોજન થઇ શકે છે. જો કે મોહસિન નકવીના નિવેદન બાદ એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે, પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે.